વસઇમાં બીચ પર યુવતીને વાસનાનો શિકાર બનાવી: નરાધમની ધરપકડ

મુંબઈ: વસઇ સ્ટેશન પરિસરમાં રાતે મળેલા રિક્ષાચાલકે 20 વર્ષની યુવતીને વસઇમાં બીચ પર લઇ જઇ મારપીટ કર્યા બાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ગોરેગામ રેલવે સ્ટેશન પર પોલીસને બીજે દિવસે યુવતી મળી આવ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. વનરાઇ પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને વાલિવથી નરાધમ રિક્ષાચાલકને પકડી પાડ્યો હતો.
વનરાઇ પોલીસે ધરપકડ કરેલા રિક્ષાચાલકની ઓળખ રાજરતન સદાશિવ વાયવળ (32) તરીકે થઇ હતી. હાલ પોલીસ કસ્ટડીમાં રહેલા રાજરતનની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિત યુવતી બુધવારે સવારે ગોરેગામ રેલવે સ્ટેશન પર મળી આવી હતી. યુવતીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આપણ વાંચો: કોલકત્તા દુષ્કર્મ કાંડઃ બળાત્કારીની માતાની હિંમતને દાદ આપવી પડે, દરેક દીકરાની મા સમજે તો…
પોલીસે બાદમાં યુવતીની પૂછપરછ કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે મંગળવારે રાતે તેને વસઇ રેલવે સ્ટેશન પરિસરમાં અજાણ્યો રિક્ષાચાલક મળી ગયો હતો. રિક્ષાચાલક તેને રાતે બીચ પર લઇ ગયો હતો, જ્યાં મારપીટ કરીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
પોલીસે યુવતીનું નિવેદન નોંધ્યા બાદ આ પ્રકરણે ગુનો દાખલ કર્યો હતો અને આરોપીને પકડવા ટીમ તૈયાર કરવામાં આવી હતી. યુવતીએ આપેલી માહિતીને આધારે પોલીસ ટીમે વિરારથી ચર્ચગેટ સ્ટેશન પરિસરમાં શોધ ચલાવી હતી અને આખરે મળેલી માહિતીને આધારે વાલિવમાં ખૈરપાડા ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી તેને પકડી પાડ્યો હતો.