ખંડણી વસૂલવા મહિલાના સ્વાંગમાં વિધાનસભ્યને બ્લૅકમેઈલ કરનારો પકડાયો

થાણે: મહિલાના સ્વાંગમાં વિધાનસભ્યને બ્લૅકમેઈલ કરી ખંડણી વસૂલવાનો પ્રયાસ કરનારા કોલ્હાપુરના યુવાનની થાણે પોલીસે ધરપકડ કરી હતી.
ચિતળસર પોલીસે રવિવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ મોહન જ્યોતિબા પવાર (26) તરીકે થઈ હતી. આરોપીની ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(3) અને ઈન્ફર્મેશનલ ટેક્નોલૉજી ઍક્ટની જોગવાઈ હેઠળ ધરપકડ કરાઈ હોવાનું ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રશાંત કદમે જણાવ્યું હતું.
આ પ્રકરણે વિધાનસભ્યની ફરિયાદને આધારે પોલીસે અગાઉ અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જોકે તપાસ દરમિયાન કોલ્હાપુરમાં રહેતા પવારની સંડોવણી સામે આવી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ આરોપીએ મહિલાના સ્વાંગમાં વિધાનસભ્યને અનેક ચૅટ મેસેજીસ મોકલાવ્યા હતા. અશ્ર્લીલ અને વાંધાજનક વીડિયો અને તસવીરો મોકલાવ્યા બાદ બ્લૅકમેઈલ કરીને આરોપીએ પાંચથી દસ લાખ રૂપિયાની માગણી કરી હતી.
તપાસ કરનારી ટીમે જે મોબાઈલ નંબર પરથી આ મેસેજીસ આવ્યા હતા તેના સીડીઆર મગાવ્યા હતા, જેને આધારે આરોપી કોલ્હાપુરમાં હોવાની જાણ થઈ હતી. આરોપીએ બે અલગ અલગ મોબાઈલ નંબર પરથી આ મેસેજ મોકલાવ્યા હતા. કોર્ટે તેને 15 ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
આ કેસમાં એક જ આરોપીની સંડોવણી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આરોપીની બહેન કે અન્ય કોઈ મહિલા સંડોવાયેલી નથી, એમ ડીસીપીએ જણાવ્યું હતું.
(પીટીઆઈ)



