નેશનલ હેરાલ્ડ સામે દ્વેષભાવનાથી કાર્યવાહી: મહારાષ્ટ્ર કોંગ્રેસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તેલંગણા અને મિઝોરમ એમ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પરાજય થવાનું ચિત્ર નિર્માણ થઈ રહ્યું હોવાથી હતાશ અને નિરાશ થયેલી મોદી સરકારે રાજકીય દ્વેષભાવનાથી નેશનલ હેરાલ્ડ સામે ઈડીની કાર્યવાહી કરી છે, પરંતુ કોંગ્રેસ સરકારની આ આપખુદશાહીને ગણકારતી નથી, એવી ટીકા મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ નાના પટોલેએ બુધવારે કરી હતી.
નાગપુર ખાતે પત્રકારોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખર્ગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સભાને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભા પ્રત્યે લોકો પીઠ ફેરવી રહ્યા છે. આ બધા પરથી પરાજયનો અણસાર મળી રહ્યો હોવાથી ભાજપ હવે રાજકીય દ્વેષભાવનાથી નેશનલ હેરાલ્ડ પ્રકરણે ઈડીની કાર્યવાહી કરાવી રહી છે. નેશનલ હેરાલ્ડ પ્રકરણના બધા જ દસ્તાવેજો સાર્વજનિક છે. આ પહેલાં પણ તેને જાહેર કરવામાં આવ્યા છે. મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ સતત નેશનલ હેરાલ્ડ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી કાર્યવાહી કરીને જનતાનું ધ્યાન અન્યત્ર વાળવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાનું જણાઈ રહ્યું છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ રાજસ્થાનની એક સભાને સંબોધી ત્યારે ભીડમાંથી પનોતી, પનોતી એવા અવાજ આવી રહ્યા હતા. તે સંદર્ભે રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું હતું. તેમણે ક્યાંય વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે અન્ય કોઈ વ્યક્તિનું નામ લીધું નહોતું. આમ છતાં ભાજપને તે કેમ ખટક્યું? આનાથી મોદીનું અપમાન કેવી રીતે થાય છે? અમદાવાદ સ્ટેડિયમમાં થઈ રહેલી મેચ વખતે પનોતી શબ્દ સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ થયો હતો. આજે પણ તે ટ્રેન્ડ થઈ રહ્યો છે. આ લોકોની લાગણી છે. બધે હું જ છું એવું દાખવવાનો પ્રયાસ મોદી દ્વારા કરવામાં આવી રહ્યો છે.