માલેગાંવ બ્લાસ્ટ કેસ: વિશેષ કોર્ટે ભાજપનાં સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર વિરુદ્ધ જામીનપાત્ર વોરન્ટ જારી કર્યું
મુંબઈ: વિશેષ એનઆઇએ કોર્ટે 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસના આરોપી અને ભાજપનાં સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર વિરુદ્ધ વારંવારની ચેતવણી છતાં કોર્ટમાં હાજર થવામાં નિષ્ફળ જવા બદલ સોમવારે જામીનપાત્ર વોરન્ટ જારી કર્યું હતું.
ઠાકુર અને અન્ય છ આરોપી અનલોફૂલ એક્ટિવિટીસ પ્રિવેન્શન એક્ટ (યુએપીએ) અને ભારતીય દંડસંહિતાની જોગવાઇઓ હેઠળ કેસમાં સુનાવણીનો સામનો કરી રહ્યા છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) કોર્ટ હાલ ક્રિમિનલ પ્રોસીજર કોડ (સીઆરપીસી) હેઠળ આરોપીઓનાં નિવેદન નોંધી રહી છે. વિશેષ કોર્ટે અગાઉ કેસના આરોપીઓને સુનાવણીમાં હાજર થવાના નિર્દેશ આપ્યા હતા.
વિશેષ જજ એ. કે. લાહોટીએ સોમવારે પ્રજ્ઞા સિંહ ઠાકુર વિરુદ્ધ રૂ. 10 હજારનું વોરન્ટ જારી કર્યું હતું અને તપાસ એજન્સીને 20 માર્ચે અહેવાલ રજૂ કરવાનું કહ્યું હતું.
વિશેષ જજે ગયા મહિને ઠાકુરને ચેતવણી આપી હતી કે જો તેઓ કોર્ટની કાર્યવાહીમાં હાજર રહેવામાં નિષ્ફળ રહેશે તો ‘જરૂરી કાર્યવાહી’ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 29 સપ્ટેમ્બર, 2008ના રોજ માલેગાંવમાં મસ્જિદ નજીક મોટરસાઇકલમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં છ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 100 જણ ઘવાયા હતા.
મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ) આ કેસની તપાસ કરી રહી હતી અને 2011માં આ કેસ એનઆઇએને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)