માલેગાંવ બ્લાસ્ટ: 17 વર્ષે 7 આરોપી નિર્દોષ જાહેર, તો ગુનેગાર કોણ?

માલેગાંવ બ્લાસ્ટ: 17 વર્ષે 7 આરોપી નિર્દોષ જાહેર, તો ગુનેગાર કોણ?

પ્રજ્ઞા ઠાકુર, પ્રસાદ પુરોહિત સહિત અન્ય લોકોને કયા આધારે છોડ્યા, આરોપો?

માલેગાંવ વિસ્ફોટમાં કયા કયા આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ અને તપાસ એજન્સીએ તેમની કયા આધારે ધરપકડ કરી હતી અને તેમની સામે કયા આરોપો ઘડાયા હતા. બચાવ પક્ષે શું દલીલો કરી અને કોર્ટના ચુકાદાને જાણો.

મુંબઈઃ 2008માં માલેગાંવ વિસ્ફોટ કેસમાં 17 વર્ષે સાત આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. ટ્રેન વિસ્ફોટના કેસમાં આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા પછી હવે માલેગાંવના આરોપીઓને નિર્દોષ કરતા આ વિસ્ફોટો કોણે કરાવ્યા અને ગુનેગારો કોણ એનો સવાલ ઊભો થયો છે. આ ચુકાદાને પણ હાઈ કોર્ટમાં પડકારવામાં આવશે કે નહીં એ કહેવાનું મુશ્કેલ છે. આમ છતાં પીડિત પરિવારો કોર્ટમાં આ આદેશને ચેલેન્જ કરી શકે છે.

આ કેસના ચુકાદા અંગે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ કોંગ્રેસ પર આરોપ મૂકતા કહ્યું છે કે કોંગ્રેસે રાજકીય ફાયદો ઉઠાવવા માટે હિંદુ અને ભગવા આતંકવાદ જેવા શબ્દોનો ઉપયોગ કરીને નિર્દોષ લોકોને ફસાવ્યા હતા. બાકી હિંદુઓ ક્યારેય આતંકવાદ હોઈ શકે નહીં એવું નેતાઓએ જણાવ્યું હતું. જાણીએ સમગ્ર કેસની વિગતો અને કોર્ટના આદેશની પ્રતિક્રિયાઓ. મુંબઈની એનઆઈએ કોર્ટે આ કેસના આરોપી પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત સાત આરોપીઓને મુક્ત કર્યા. કારણ પુરાવાના અભાવ હતો. ન્યાયાધીશ લાહોટીએ ચુકાદામાં જણાવ્યું હતું કે ફરિયાદપક્ષ નક્કર પુરાવા અને વિશ્વસનીય સાક્ષીઓ પણ રજૂ કરી શક્યા નહોતા.

sadhvi pragya thakur

કયા આધારે સાધ્વી પ્રજ્ઞા નિર્દોષ સાબિત થયા?
પ્રજ્ઞા સિંહ ઠાકુર ઉર્ફે સાધ્વી પ્રજ્ઞા જેમને સ્વામી પૂર્ણા ચેતનાનંદ ગિરિના નામથી ઓળખવામાં આવે છે. મધ્ય પ્રદેશના રહેવાસી તથા કેસના નંબર વન આરોપી. આરએસએસના મેમ્બર એવા પ્રજ્ઞા સિંહ ઠાકુરની આ કેસમાં પહેલી ધરપકડ થઈ હતી. આ કેસ અંગે કોર્ટે કહ્યું, પ્રોસિક્યુશન પક્ષે સાબિત કર્યું કે માલેગાંવમાં વિસ્ફોટ થયો હતો, પરંતુ તે મોટરસાઇકલમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો તે સાબિત કરી શક્યા નહીં.

વિસ્ફોટમાં સામેલ બાઇકનો ચેસિસ નંબર સ્પષ્ટ નહોતો. તે બાઈક સાધ્વી પ્રજ્ઞાની હતી તે સાબિત કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફ્ળ રહ્યો છે. ઘટનાના બે વર્ષ પહેલા તેઓ સાધ્વી બન્યા હતા અને અન્યો સાથે મળીને તેમણે કાવતરું ઘડ્યું તેવા પુરાવા નથી મળ્યા. ગુનાના સ્થળે બાઈક કોણે પાર્ક કરી હતી તેનો પુરાવો પણ નહોતો. ગુનાના સ્થળે પથ્થરમારો થયો હતો પણ તે કોણે કર્યું તેનો પુરાવો નથી.

Shrikant Prasad Purohit

પુરોહિતને નિર્દોષ સાબિત કરતા મુદ્દાઓ શું હતા?
શ્રીકાંત પ્રસાદ પુરોહિતને એટીએસે ધરપકડ કરી હતી. તેઓ સેનામાં અધિકારી હતી. મહારાષ્ટ્ર એટીએસએ દાવો કર્યો હતો કે પ્રસાદ પુરોહિત 2006માં અભિનવ ભારત સંગઠનની સ્થાપના કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. સંગઠન મારફત વિસ્ફોટ માટે ફંડ ભેગું કર્યું હતું. આ કેસમાં શ્રીકાંત પ્રસાદ પુરોહિતના નિવાસસ્થાને વિસ્ફોટકોના સંગ્રહ કે એસેમ્બલીના કોઈ પુરાવા મળ્યા નથી. કાશ્મીરથી RDX લાવીને કર્નલ પુરોહિતે બોમ્બ બનાવ્યો તે સાબિત થઇ શક્યું નથી.

કર્નલ પુરોહિતની અન્યો સાથે રૂપિયાની લેણદેણ થઇ, પરંતુ તે રૂપિયા કાવતરા માટે ખર્ચાયા તે સાબિત થતું નથી. કર્નલે પોતાનું ઘર બાંધવા અને એલઆઇસીનું પ્રીમિયમ ભરવામાં વાપર્યાનું જણાય છે. અન્યો સાથે મળીને તેમણે કાવતરું ઘડ્યું હોય તેવા પણ પુરાવા મળ્યા નથી.

Ramesh upadhyay

સેનાના નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાય ચોથા આરોપી હતા
રમેશ ઉપાધ્યાય પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. ભારતીય સેનાના નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાયની આ કેસમાં ધરપકડ થનારા ચોથા આરોપી હતા. હિંદુ રાષ્ટ્ર બનાવવા તથા અલગ બંધારણની વિચારધારાને સમર્થન આપવા માટે બેઠક કરી હતી. નાશિકની આર્મી સ્કૂલમાં એક બેઠકમાં ઉપાધ્યાયે માલેગાંવ વિસ્ફોટ કેસ માટે ફન્ડિંગ માટે અભિનવ ભારત સંગઠનના કાર્યકારી અધ્યક્ષ તરીકે ઉપાધ્યાયની વરણી કરી હતી.

આ કેસમાં બળજબરીપૂર્વક એટીએસે તેમની સામે નિવેદન નોંધવા મજબૂર કર્યા હોવાનું જણાવ્યું હતું. અન્ય આરોપીમાં સુધાકર ચતુર્વેદી, સુધારક દ્વિવેદી અને સમીર કુલકર્ણીનો સમાવેશ થાય છે. આ સાત આરોપી સિવાય અન્ય બે આરોપીની ધરપકડ કરી શકાઈ નહોતી.

malegaon blast case

બે આરોપીની ધરપકડ કરી શકાઈ નથી
એટીએસ અને એનઆઈએએ બે આરોપીના નામ ચાર્જશીટમાં સામેલ કર્યા હતા. જોકે, તેમની ક્યારેય ધરપકડ કરી શક્યા નહોતા, જેમાં એકનું નામ રામચંદ્ર કાલસાગરા ઉર્ફે રામજી અને સંદીપ દાંગે હતા. તેમના પર આરોપ હતો કે મધ્ય પ્રદેશના ઈન્દોરના રહેવાસી આ બંને લોકોએ વિસ્ફોટમાં સામેલ હતા અને સાધ્વી પ્રજ્ઞાએ એલએમએલ મોટરસાઈકલમાં બોમ્બ રાખ્યો હતો, તે કાલસાંગરા ચલાવતો હતો. આ બંને પ્રજ્ઞા ઠાકુરના સંપર્કમાં હોવાની વાત બહાર આવી હતી અને કાલસાંગરા પર બાઈકમાં બોમ્બ લગાવવાનો પણ આરોપ હતો.

આરોપીઓને શંકાનો લાભ આપવો જોઈએ
કોર્ટે કહ્યું કે આરોપીઓને શંકાનો લાભ આપવો જોઈએ. સાથે તેમણે વિસ્ફોટમાં માર્યા ગયેલા તમામ છ લોકોના પરિવારોને 2 લાખ રૂપિયાનું વળતર આપવા અને તમામ ઘાયલોને 50,000 રૂપિયા આપવાનો આદેશ આપ્યો હતો. ચુકાદો આપતી વખતે ન્યાયાધીશે કહ્યું કે આ કેસને શંકાની બહાર સાબિત કરવા માટે કોઈ વિશ્વસનીય અને નક્કર પુરાવા નથી. ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA)ની જોગવાઈઓ આ કેસમાં લાગુ પડતી નથી.

કોર્ટે કહ્યું કે ‘આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી
આ કારણો જવાબદારઃ સૌથી પહેલા કોર્ટે કહ્યું છે કે પ્રોસિક્યુશને એ વાત સાબિત કરી છે કે માલેગાંવમાં વિસ્ફોટ થયો હતો, પરંતુ એ પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા છે જે વિસ્ફોટ કરવામાં આવેલા બાઈક પ્રજ્ઞા ઠાકુર સાથે લિંક ધરાવે છે. આ બાઈકના સિરિયલ નંબરને પણ ફોરેન્સિક રિપોર્ટથી જાણકારી મળી નથી. કોર્ટે કહ્યું હતું કે ‘આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી. કોઈ પણ ધર્મ હિંસાને સમર્થન આપી શકતો નથી. કોર્ટ ફક્ત ધારણા અને નૈતિક પુરાવાના આધારે કોઈને દોષિત ઠેરવી શકતી નથી. આ માટે નક્કર પુરાવા હોવા જોઈએ.’

આ અન્યાય છે’… ચુકાદા અંગે દુઃખ થયુંઃ પીડિતના સંબંધી
‘આ ચુકાદો સાંભળીને અમને દુઃખ થયું છે. અમે આ ચુકાદાને મુંબઈ હાઈ કોર્ટમાં પડકારીશું, એમ માલેગાંવના પીડિતોના સંબંધી અને પ્રત્યક્ષદર્શી ડૉ. અંસારી અખલાક અહેમદે કોર્ટમાંથી બહાર આવ્યા બાદ જણાવ્યું હતું. ‘૨૯ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ માલેગાંવમાં એક મસ્જિદ પાસે મોટરસાઇકલમાં રાખેલો બોમ્બ વિસ્ફોટ થયો. તે સમયે, હું એક કિલોમીટર દૂર હતો અને બોમ્બ વિસ્ફોટ વિશે સાંભળતાં જ હું તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો. બોમ્બ વિસ્ફોટથી બાળકો સહિત સામાન્ય નાગરિકો ડરી ગયા હતા.

જોકે, બોમ્બ વિસ્ફોટ થયો જ ન હતો, એમ આ કેસના એક આરોપીનું કહેવું છે. બોમ્બ વિસ્ફોટ રમઝાન મહિનામાં થયો હતો. મેં આ ભયાનકતા મારી આંખોથી જોઈ છે. આ બોમ્બ વિસ્ફોટમાં મારા ઘણા સંબંધીઓ ઘાયલ થયા હતા. હવે માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસના આરોપીઓને પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યા છે. આ અમારી સાથે અન્યાય થયો છે, આ ચુકાદો સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે અને અમે આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકારીશું’ ડૉ. અંસારીએ કહ્યું હતું.

હિંદુઓ ક્યારેય આતંકવાદી હોય નહીંઃ સ્વામી રામભદ્રાચાર્ય
માલેગાંવ બ્લાસ્ટ મુદ્દે કોર્ટના ચુકાદા અંગે સ્વામી રામભદ્રાચાર્યેએ ખુશી વ્યક્ત કરી હતી. તુલસીપીઠના શંકાચાર્ય અને જગદ્ગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ માલેગાંવ વિસ્ફટોના ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. ભગવાધારીઓ પરેશાન કરવા માટે કોંગ્રેસે આ બધુ કરાવ્યું હતું. વાસ્તવમાં આ અમારો વિજય થયો છે. હિંદુઓ ક્યારેય આતંકવાદીઓ હોતા નથી એમ તેમણે દૃઢપૂર્વક જણાવ્યું.

આ પણ વાંચો…‘ભગવા’ આતંકવાદ શબ્દનો જન્મ માલેગાંવ બ્લાસ્ટથી થયો, જાણો કેસની અજાણી વાતો

Swami Jitendranand Saraswati

કોંગ્રેસે જવાબ આપવો જોઈએઃ જિતેન્દ્રાનંદ સરસ્વતી
અખિલ ભારતીય સંત સમિતિના મહાસચિવ સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ કહ્યું કે જ્યાં ધર્મ છે, ત્યાં વિજય થાય છે. જ્યાં સુધી માલેગાંવ વિસ્ફોટની વાત છે તો આ એક જટિલ કેસ હતો. એક રીતે યુપીએના શાસનકાળમાં સોનિયા-રાહુલ ગાંધીના નેતૃત્વમાં હિંદુ આતંકવાદ હોવાનો પ્રયાસ કર્યો હતો અને જે અન્વયે પ્રજ્ઞા ઠાકુર જેવા લોકોને વિસ્ફોટના કેસમાં નવ વર્ષ જેલમાં રાખવામાં આવ્યા હતા અને એના માટે કોંગ્રેસે જવાબ આપવો જોઈએ.

ક્યારે વિસ્ફોટ થયો અને કેટલા લોકોના થયા મોત
29 સપ્ટેમ્બર, 2008માં નાશિક જિલ્લા સ્થિત માલેગાંવમાં રમઝાન મહિનામાં એક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં છ લોકોનાં મોત થયા હતા, જ્યારે 100થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. 17 વર્ષ પછી કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો. આ કેસમાં એક આરોપીને તો 2011માં જામીન મળી ગયા હતા, પરંતુ છ આરોપી આઠ વર્ષ સુધી જેલમાં બંધ હતા અને તેમને 2017માં જામીન મળ્યા હતા.

આ પણ વાંચો…આતંકવાદ ક્યારેય ભગવો નહોતો, ક્યારેય રહેશે નહીં: માલેગાંવ કેસના ચુકાદા પર મુખ્ય પ્રધાનનું નિવેદન

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button