મલાડની હોટેલમાં ગળું દબાવી પ્રેમીની હત્યા કરનારી મહિલા સુરતમાં પકડાઈ
હત્યા બાદ પોલીસને ગેરમાર્ગે દોરવા મહિલાએ પ્રેમીના મોબાઈલથી તેના પરિવારને આત્મહત્યા કરી રહ્યો હોવાનો મેસેજ મોકલાવ્યો

મુંબઈ: મલાડની હોટેલમાં ગળું દબાવીને પ્રેમીની હત્યા કર્યા બાદ તેના મોબાઈલથી પરિવારને આત્મહત્યા કરી રહ્યો હોવાનો મેસેજ મોકલાવીને ફરાર થઈ ગયેલી મહિલાને પોલીસે ગુજરાતના સુરત શહેરમાંથી પકડી પાડી હતી.
દિંડોશી પોલીસે ધરપકડ કરેલી મહિલાની ઓળખ બરકત શફી મોહમ્મદ રાઠોડ તરીકે થઈ હતી. મહિલા રાજસ્થાનના જયપુર શહેરની વતની હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ તપાસમાં જણાયું હતું કે આરોપી મહિલા મીરા રોડમાં રહેતા મૃતક ઈમામુદ્દીન અન્સારી (47)ના સાળાની પત્ની છે. બન્ને વચ્ચે છેલ્લાં કેટલાંક સમયથી અનૈતિક સંબંધ હતા. આ કથિત પ્રેમપ્રકરણને કારણે મહિલાની બદનામી થઈ રહી હતી. પતિએ પણ તેની સાથે સંબંધો તોડી નાખ્યા હતા, જેને કારણે તેના મનમાં રોષ ધરબાયેલો હતો.
આ પણ વાંચો: દારૂ માટે શાકભાજીવાળાનીદીકરીની હત્યા: પાંચની ધરપકડ
ઈન્ટિરિયર ડેકોરેશનનો વ્યવસાય ધરાવતા અન્સારીએ બરકત સાથે રવિવારની સવારે મલાડ પૂર્વમાં સ્ટેશન નજીક આવેલી એક હોટેલમાં ચેકઈન કર્યું હતું. હોટેલની રૂમમાં મળ્યા પછી મહિલાએ ગળું દબાવીને અન્સારીની હત્યા કરી હતી. બાદમાં અન્સારીના મોબાઈલ ફોન પરથી તેના પરિવારને આત્મહત્યા સંદર્ભેનો મેસેજ કર્યો હતો.
‘હું જીવનથી કંટાળ્યો હોવાથી આત્મહત્યા કરી રહ્યો છું’ એવો મેસેજ સાંજે ચાર વાગ્યાની આસપાસ મળતાં અન્સારીના પુત્રએ નયા નગર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. અન્સારીનું ફોન લૉકેશન મલાડ દર્શાવાયું હતું. મલાડની એક હોટેલમાં અન્સારી હોવાની જાણકારી મળતાં દિંડોશી પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. અન્સારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી પોલીસે એડીઆર નોંધ્યો હતો.
જોકે પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલમાં આત્મહત્યા નહીં, પણ ગળું દબાવીને અન્સારીની હત્યા કરાઈ હોવાનું જણાયું હતું. ઘટના બાદ ફરાર મહિલાની પોલીસે શોધ હાથ ધરી હતી. મહિલા સુરતમાં હોવાનું જાણવા મળતાં પોલીસની ટીમ સુરત પહોંચી હતી. મહિલાને મંગળવારે તાબામાં લઈ મુંબઈ લાવવામાં આવી હતી.