મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર કરનારા નરાધમોને આકરી સજા ફટકારોઃ અજિત પવાર
મુંબઈ: કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને તેની હત્યાને લઇ આખા દેશમાં રોષનો જુવાળ ફાટ્યો હતો તેવામાં બદલાપુરમાં બે માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ થયાની ઘટના સામે આવતા મહિલાઓ વિરુદ્ધ થતા જાતીય અત્યાચારની ચર્ચા ચારેકોર થઇ રહી છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ અજિત પવારે પણ પોતાનો રોષ વ્યક્ત કરતા બળાત્કાર અને જાતીય અત્યાચાર કરનારાઓને આકરી સજા ફટકારવાની વાત કહી હતી.
અજિત પવારે યવતમાળમાં લાડકી બહેન યોજના અંતર્ગત યોજાયેલા કાર્યક્રમ દરમિયાન બોલતા કહ્યું હતું કે ભાજપ-શિવસેના અને એનસીપી (મહાયુતિ)ની સરકાર રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ ગુનો આચરનારા અપરાધીઓને નહીં બક્ષે.
આ પણ વાંચો: નાયગાંવમાં બદલાપુરવાળી: નાયગાંવની સ્કૂલમાં કૅન્ટીનના સગીર કર્મચારીએ બાળકી સાથે કર્યું કુકર્મ
અજિત પવારે મહિલાઓ સાથે દુષ્કર્મ કરનારાઓને નપુસંક બનાવી દેવાની વાત કહેતા જણાવ્યું હતું કે જે લોકો મહિલાઓ પર હાથ નાખે છે તેમનામાં કાયદાનો એવો ડર હોવો જોઇએ કે બીજી વખત તે મહિલાઓ વિશે વિચાર સુધ્ધાં ન કરે. મારી ભાષામાં કહું તો તેમને નપુસંક બનાવી દેવા જોઇએ જેથી તેમણે કરેલા અપરાધની પુનરાવૃત્તિ ન થાય. આવા બેકાર લોકો સાથે આવું જ કરવું જોઇએ.
ઉલ્લેખનીય છે કે બદલાપુરની ઘટનાના વિરોધમાં શનિવારે બંધનું કરવામાં આવેલું એલાન હાઇ કોર્ટના આદેશને પગલે સફળ થઇ શક્યું નહોતું અને વિરોધ પક્ષોએ વિરોધ પ્રદર્શન યોજીને સંતોષ માનવો પડ્યો હતો અને કાળી પટ્ટીઓ બાંધીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.