Yashashree Murder case: મહારાષ્ટ્રને કંપાવી દેનારા કેસમાં આવી મોટી અપડેટ

નવી મુંબઈઃ અહીંના ઉરણમાં યશશ્રી શિંદે નામની એક યુવતીની હત્યાએ આખા મહારાષ્ટ્રને હચમચાવી નાખ્યું છે. યશશ્રીનો મૃતદેહ અત્યંત વિહવળ કરી નાખનારી સ્થિતિમાં મળ્યો હતો. કોટનાકા પરિસરમાં યશશ્રીનો મૃતદેહ લોહીના ખાબોચિયામાં પડ્યો હતો અને શ્વાનો તેને વિખી રહ્યા હતા. ત્યારબાદ આ કેસની તપાસ થતા તે મૃતદેહ યશશ્રીનો હોવાનું બહાર આવ્યું હતું. આખરે આ કેસમાં શંકાસ્પદ આરોપી દાઉદ શેખની અટક થઈ હોવાની જાણકારી મળી છે.
ગુરુવારે સાંજે તે બહેનપણીના ઘરે ગઈ હોવાનું કહીને નીકળી હતી અને મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી. શુક્રવારે આ મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ ઓળખી ન શકાય તેવી સ્થિતિ હતો, આથી તેના કપડા અને શરીર પરના ટેટૂ પરથી માતા-પિતાએ તેને ઓળખી હતી. પિતાએ દીકરીની હત્યા માટે દાઉદ શેખ નામના યુવક સામે શંકા વ્યક્ત કરી હતી. દાઉદ તેના એક તરફી પ્રેમમાં હોવાનું અને તેને રંજાડતો હોવાનું પિતાનું કહેવાનું હતું. પોલીસે દાઉદને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
આજે પોલીસને દાઉદ કર્ણાટકના ગુલબર્ગા જિલ્લામાં હોવાની ખબર મળતા ત્યાં પહોંચી હતી અને પોલીસે તેની અટક કરી છે. હવે પોલીસ તેને નવી મુંબઈ લાવી રહી છે. અહીં કોર્ટમાં તેને હાજર કરવામાં આવશે.
નવી મુંબઈની આ ઘટનાએ ફરી લવ જેહાદનો મુદ્દો ગજવ્યો છે. રવિવારે સ્થાનિકોએ મોરચો કાઢી દાઉદને પકડવા અને સખત સજા આપવાની માગણી કરી હતી. યશશ્રી કૉમર્સ ગ્રેજ્યુએટ હતી અને ડેટા ઑપરેટર તરીકે નોકરી કરતી હતી. ખૂબ જ સુંદર લાગતી યશશ્રીના પિતાએ દાઉદ વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી અને એકવાર દીકરીને પરેશાન કરવા બદલ જાહેરમાં તેની ધોલાઈ પણ કરી હતી, તેવા અહેવાલો છે.