રેલવેના આ માર્ગમાં રવિવારે બ્લોકને લીધે મેલ એક્સ્પ્રેસ અને લોકલ ટ્રેનોને અસર
મુંબઈ: મુંબઈ રેલવે ડિવિઝનમાં વિવિધ કામકાજ માટે રવિવારે સવારે મધ્ય અને હાર્બર લાઇનમાં બ્લોક લેવાની જાહેરાત રેલવે પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી. આ બ્લોકને લીધે પશ્ચિમ અને મધ્ય રેલવે લાઇનની અમુક મેલ/એક્સ્પ્રેસ તેમ જ લોકલ ટ્રેનો રદ રહેશે તેમ જ ટ્રેનો 15-20 મિનિટ સુધી મોડી દોડશે એવી માહિતી રેલવે અધિકારીએ આપી હતી.
રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ રવિવારે મધ્ય રેલવેના વિદ્યાવિહારથી થાણે સ્ટેશન દરમિયાન પાંચમા અને છઠ્ઠા લાઇનમાં સવારે આઠ વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી વિવિધ કામકાજ માટે બ્લોક લેવામાં આવવાનો છે. મધ્ય રેલવેના આ બ્લોકને લીધે લોકમાન્ય તિલક ટર્મિનસના અપ અને ડાઉન માર્ગમાં મેલ/એક્સ્પ્રેસ ટ્રેનોને વિદ્યાવિહારથી થાણે દરમિયાન ડાઉન અને અપ ફાસ્ટ લાઇનમાં વળાવવામાં આવશે.
રવિવારે હાર્બર લાઇનમાં પણ માનખુર્દથી નેરુળ દરમિયાન અપ અને ડાઉન બંને માર્ગમાં સવારે 11.15 વાગ્યાથી બપોરે 4.15 વાગ્યા સુધી બ્લોક રહેશે, જેને લીધે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી પનવેલ, બેલાપુર અને વાશી જતી લોકલ ટ્રેનોને રદ રાખવામા આવી છે. આ બ્લોક દરમિયાન સીએસએમટીથી માનખુર્દ દરમિયાન એક વિશેષ લોકલ ચલાવવામાં આવશે જેને લીધે પ્રવાસીઓને સુવિધા મળી રહે.
હાર્બર લાઇનના આ બ્લોકને લીધે પ્રવાસીઓને સવારે 10 વાગ્યાથી સાંજે 4.30 વાગ્યા દરમિયાન ટ્રાન્સ હાર્બર અને મધ્ય લાઇનની લોકલ ટ્રેનો વડે પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે, એવી માહિતી રેલવે અધિકારીએ આપી હતી.