માહિમમાં ગુલમહોરનું ઝાડ તૂટી પડતા ટેક્સી ડ્રાઈવર સહિત પ્રવાસી જખમી...

માહિમમાં ગુલમહોરનું ઝાડ તૂટી પડતા ટેક્સી ડ્રાઈવર સહિત પ્રવાસી જખમી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ચોમાસા પહેલા મૃત ઝાડ કાપવા તથા ઝાડની જોખમી ડાળખીઓની છટણી કરવાનું કામ મોટા પાયા પર હાથ ધરવામાં આવતું હોય છે, છતાં મુંબઈમાં ઝાડ તૂટી પડીને લોકોના જીવ જોખમમાં મૂકવાનો સિલસિલો ચાલુ જ છે.

બુધવારે માહિમમાં એક વિશાળ ગુલમહોરનું ઝાડ ટેક્સી પર તૂટી પડતા ટેક્સી ડ્રાઈવર સહિત અંદર બેસેલા પ્રવાસીઓ જખમી થયા હતા. માહિમમાં લેડી જમશેદજી રોડ પર ગુલમહોરનું ઝાડ ત્યાંથી પસાર થઈ રહેલી ટેક્સી પર તૂટી પડયું હતું, જેમાં ઝાડની ડાળખી ટેક્સી ડ્રાઈવરની છાતીમાં ઘુસી ગઈ હતી.

તો ટેક્સીમાં બેઠેલો પ્રવાસી પણ જખમી થયો હતો. બંનેની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બનાવને કારણે રોડ પર લાંબા સમય માટે ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ માટુંગા પશ્ચિમમાં માહિમ નજીક લેડી જમશેદજી રોડ અને ટી.એચ. કટારિયા રોડના જંકશન પરના સિગ્નલ પાસે આ ઝાડ સવારના દસ વાગ્યાની આસપાસ તૂટી પડયું હતું.

ઝાડની ડાળખી ટેક્સી ડ્રાઈવરના છાતીમાં ઘુસી જતા તેનું મોટા પ્રમાણમાં લોહી વહી ગયું હતું. ફાયરબ્રિગેડે આવીને ઝાડ હટાવીને તેને બાન્દ્રાની ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તો પ્રવાસી મામૂલી માત્રામાં જખમી થયો હતો, તેને હિન્દુજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

સ્થાનિક રહેવાસીના જણાવ્યા મુજબ આ ઝાડ મૃત હાલતમાં હતું. ગણેશોત્સને પગલે તાજેતરમાં જ વૃક્ષની ડાળખીની છટણી કરવામાં આવી હતી, છતાં પણ બુધવારે સવારના તે તૂટી પડયું હતું.

સ્થાનિક ભૂતપૂર્વ નગરસેવિક મનીષ ચવ્હાણે આ દુર્ઘટના બાબતે જણાવ્યું હતું કે ચોમાસા પહેલા અને ગણેશોત્સવ પહેલા પાલિકા દ્વારા જોખમી થયેલા ઝાડની અને તેની ડાળખીઓની છટણી કરવામાં આવતી હોય છે પણ તેની સામે પર્યાવરણપ્રેમીઓ દ્વારા સતત વિરોધ કરવામાં આવતો હોય છે અને તેને કારણે ઝાડની ડાળખી અને મૃત ઝાડની છટણી કરવામાં આવતી નથી.

તેથી મૃત ઝાડ બાબતે વૃક્ષ નિષ્ણાતો દ્વારા તેનું ઈન્સ્પેકશન કરીને તે કાપી નાખવા જોઈએ. અમુક સમયે ઝાડ બહારથી મજબુત દેખાતા હોય છે પણ અંદરથી તે પોકળ થઈ ગયા હોય છે અને તૂટી પડતા હોય છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button