માહિમની ખાડીમાં કૂદેલા વ્યંડળને બચાવવા તેના ‘મિત્ર’એ પણ ઝંપલાવ્યું: બન્ને ડૂબ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: માહિમમાં બનેલી આંચકાજનક ઘટનામાં મોબાઈલ ફોન અને તસવીરોને લઈ થયેલા વિવાદ પછી વ્યંડળે ખાડીમાં કૂદકો માર્યો હતો. વ્યંડળને બચાવવા તેના ‘મિત્ર’એ પણ ખાડીમાં ઝંપલાવ્યા પછી બન્ને ડૂબી ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. બન્નેની ભાળ મેળવવા ખાડીમાં એનડીઆરએફે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની બપોરે 12.20 વાગ્યાની આસપાસ બની હતી. માહિમની ખાડીમાં કૂદકો મારનારા બન્નેની ઓળખ ઈર્શાદ આસિફ શેખ (22) અને કલંદર અલ્તાફ ખાન (20) તરીકે થઈ હતી. બન્ને બાન્દ્રા પશ્ર્ચિમમાં નરગિસ દત્ત નગરના લાલ મિટ્ટી પરિસરમાં રહેતા હતા.
આપણ વાચો: ગીર સોમનાથ તટે તોફાની દરિયામાં ઉનાની સૂરજ સલામતી બોટ ડૂબી, 8 માછીમારોનું રેસ્ક્યુ
કહેવાય છે કે એક જ પરિસરમાં રહેતા હોવાથી ખાનને શેખ ઉર્ફે ઝારા સાથે ગાઢ મિત્રતા હતી. શેખ વ્યંડળ હોવાથી છેલ્લાં ત્રણ વર્ષથી તેની અને ખાન વચ્ચે સંબંધો હતા. અમુક સમયથી બન્ને ભાડેની રૂમમાં પણ રહેતા હતા.
મળતી માહિતી અનુસાર શેખે ખાનના મોબાઈલ ફોનમાં એક યુવતીની તસવીર જોઈ હતી અને ખાન એ યુવતી સાથે ચૅટિંગ કરતો હોવાનું માલૂમ પડ્યું હતું. આ વાતને લઈ તેમની વચ્ચે વિવાદ થયો હતો. શેખે અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ તેના પરિવારે કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ મંગળવારની બપોરે બન્ને ખાડીની ઉપરના બ્રિજ પર ઊભા હતા. બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પછી શેખે ખાડીમાં કૂદકો માર્યો હતો. તેને બચાવવા માટે ખાન પણ પાણીમાં કૂદી પડ્યો હતો. જોકે બન્ને ડૂબી ગયા હતા.
આ અંગે જાણ થતાં માહિમ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બોટની મદદથી શોધખોળ કરવા છતાં કોઈની પણ ભાળ મળી નહોતી. આખરે નૅશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.



