માહિમમાં ડિમોલિશન દરમ્યાન ઈમારતનું માળખું તૂટી પડતાં બે જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: માહિમમાં ત્રણ માળની બિલ્િંડગમાં બાંધકામને તોડી પાડવાની કામગીરી ચાલી રહી હતી એ સમયે આખું માળખું જ તૂટી પડતા બે જણ જખમી થયા હોવાનો બનાવ બન્યો હતો. જખમીઓને ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
માહિમમાં સેનાપતી બાપટ માર્ગ પર ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની જોન્સન ઍન્ડ જૉન્સન બિલ્ડિંગ આવેલી છે. બિલ્ડિંગના બાંધકામને તોડી પાડવાની કામગીરી ખાનગી કૉન્ટ્રેક્ટર દ્વારા ચાલી રહી હતી એ દરમ્યાન બુધવારે બપોરના ૧.૪૮ વાગ્યાની આસપાસ ઈમારતને તોડવાનું કામ જેસીબી મશીન દ્વારા ચાલી રહ્યું હતું ત્યારે પહેલા અને બીજા માળનું માળખું અચાનક તૂટી પડ્યું હતું. ઈમારતનો અમુક ભાગ લટકી પડયો હતો. અમુક ભાગ નીચે જેસીબી મશીન પર પડ્યો હતો.
આ પણ વાંચો : આ છે ગુજરાત મોડલની અસલી હકીકતઃ 5 વર્ષમાં આટલા પુલ થયા ધરાશાયી, જુઓ લિસ્ટ…
ઘટના સ્થળે ફાયરબ્રિગેડ, પોલીસ, ડિઝાસ્ટ મેનેજમેન્ટના અધિકારી-કર્મચારીઓ પહોંચી ગયા હતા. ઈમારતના કાટમાળ નીચે કૉન્ટ્રેક્ટરના બે માણસો દબાઈ ગયા હતા. ફાયરબ્રિગેડે કાટમાળ હેઠળથી ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢયા હતા અને તેમને નજીક આવેલી ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.



