‘મહાયુતિ’ એક્શનમાંઃ શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ પાર્ટીમાંથી સસ્પેન્ડ
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તાધારી મહાયુતિએ સૌથી મોટો નિર્ણય લીધો છે. થાણે જિલ્લાના શિવસેનાના નેતા મહેશન ગાયકવાડ સહિત મહાયુતિના અન્ય 10 નેતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચૂંટણી વખતે પાર્ટી વિરોધી કામગીરીને કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
મહેશ ગાયકવાડ આ વર્ષે ફેબ્રુઆરીમાં જ ચર્ચામાં આવ્યા હતા, જ્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વિધાનસભ્ય ગણપત ગાયકવાડને જૂની અદાવતને કારણે પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ કર્યું હતું. શિવસેનાના કલ્યાણ જિલ્લા પ્રમુખ ગોપાલ લાંડગેએ આજે જણાવ્યું હતું કે ગાયકવાડ સહિત ગઠબંધનના સભ્ય પાર્ટી વિરોધી કામગીરીમાં સામેલ હતા અને હાલની ચૂંટણીમાં પાર્ટીના નિર્દેશોનું પાલન કરી રહ્યા નહોતા.
મહારાષ્ટ્રમાં સત્તાધારી સરકારમાં એકનાથ શિંદેની શિવસેના, ભારતીય જનતા પાર્ટી અને અજિત પવારની એનસીપી મહાયુતિમાં સામેલ છે. એકનાથ શિંદેની શિવસેના સામે બળવો કરીને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવીને મહેશ ગાયકવાડે કલ્યાણ પૂર્વના મતવિસ્તારમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ભાજપ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ), વંચિત બહુજન આઘાડી (વીબીએ) અને અપક્ષના ઉમેદવારોની વચ્ચે જોરદાર ટક્કર થવાની સંભાવના છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીની ‘लाल किताब’ પર હંગામો, ભાજપે કહ્યું- માત્ર કોરો કાગળ
નામાંકન પછી મહાયુતિના ઉમેદવાર પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે ચૂંટણી જનતાની છે. એના પછી તેમણે કહ્યું હતું કે જો યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો તેમને બળવો કરીને ચૂંટણી લડવાની નોબત આવે નહીં, પરંતુ ભ્રષ્ટ નેતાઓને ટિકિટ આપવામાં આવે છે. મહેશ ગાયકવાડે મહાયુતિના ઉમેદવાર પર પણ નિશાન સાધીને કહ્યું હતું કે જે વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં રહીને ફાયરિંગ કરવાનું સાહસ કરે છે એના પરિવારની વ્યક્તિને કઈ રીતે ટિકિટ આપી શકાય?
આ અગાઉ ભારતીય જનતા પાર્ટીએ પણ બળવાખોર નેતાઓ સામે કાર્યવાહી કરતા 40 નેતાને હાંકી કાઢ્યા હતા. 37 અલગ અલગ વિધાનસભાના ક્ષેત્રમાં 40 કાર્યકર્તા/નેતાઓની સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાંથી મોટા ભાગના બળવાખોર નેતાઓ અપક્ષની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.