મુંબઈમાં મહાયુતિની સિક્સર: એકનાથ શિંદે
મહાયુતિમાં બેઠકોની વહેંચણીમાં કેટલાક વર્તમાન સંસદસભ્યોની જગ્યા મેળવવામાં સફળ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે મહાયુતિ મુંબઈમાં સિક્સર મારશે. શિવસેનાના 15 ઉમેદવાર છે અને આ બધા જ જ્વલંત મતે વિજયી થશે એવો વિશ્ર્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. મહત્ત્વની બાબત છે કે તેઓ શિવસેનાના વર્તમાન સંસદસભ્યોની બેઠક પોતાના હાથમાં લેવામાં સફળ થયા હતા.
તેમણે ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વગર તેમણે કહ્યું હતું કે તેમની વિકેટ પડી ગઈ છે અને ક્લિન બોલ્ડ થઈ ગયા છે. લોકોએ નક્કી કરી નાખ્યું છે કે આ લોકો કામના લોકો છે તેમને જ જીતાડવાના છે. મુંબઈમાં અમે આવ્યા ત્યારથી કામ કરી રહ્યા છીએ મુંબઈનો વિકાસ થઈ રહ્યો છે. પંદર-વીસ વરસ પહેલાં જે કામ થવું જોઈતું હતું તે હવે થઈ રહ્યું છે. કૉંક્રીટના રસ્તા બની રહ્યા છે, કોસ્ટલ રોડનું ઓપનિંગ થઈ ગયું છે. શહેરમાં બ્યૂટિફિકેશન થઇ રહ્યું છે. ડીપ ક્લિનિંગ ડ્રાઈવને કારણે પ્રદૂષણમાં ઘટાડો થયો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં પ્રચારસભા થશે એવી ખાતરી તેમણે આપી હતી.
રાજ્યમાં આવી ગયેલા પરિવર્તન અંગે તેમણે એવી માહિતી આપી હતી કે રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર આવ્યા બાદ સૌથી પહેલું કામ બધા મહત્ત્વના પ્રોજેક્ટ પર લગાવવામાં આવેલા સ્ટે ઉઠાવી લેવામાં આવ્યા હતા. સરકાર આવ્યા બાદ અટલ સેતુ (એમટીએચએલ), કોસ્ટલ રોડ, નાગપુર-મુંબઈ સમૃદ્ધિ મહામાર્ગ, મુંબઈ-પુણે મિસિંગ લિંકની સૌથી લાંબી ટનલનું કામ હાથમાં લીધું છે. મેટ્રો કારશેડના અટકેલા કામ, મેટ્રોના અટકેલા કામ આગળ ધપાવ્યા હતા.
આપણ વાંચો: મહાયુતિમાં પાંચ બેઠકનો ફેંસલો ક્યારે?
એકનાથ શિંદેએ એક ખાનગી ચેનલ પર બોલતાં કહ્યું હતું કે રાજકારણમાં આવ્યા પછી વ્યક્તિએ ઈગો રાખવો ન જોઈએ. ફક્ત ઈગોને સંતુષ્ટ કરવા માટે કેટલા પ્રોજેક્ટ રોકી રાખવામાં આવ્યા હતા. બધા સ્ટે હટાવ્યા અને બૂલેટ ટ્રેન, મેટ્રો કારશેડ, મેટ્રો-2 અને મેટ્રો-7 કાર્યાન્વિત કર્યા. સૌથી મહત્ત્વની વાત છે કે અમારી સરકાર આવ્યા પહેલાં જેે નકારાત્મક ફેલાઈ હતી તેને દૂર કરવાનું કામ અમે કર્યું હતું. એને કારણે અત્યારે રાજ્ય દેશમાં નંબર એક પર પહોંચ્યું છે.
રાજ્યમાં કામની ગતિ કેવી રીતે વધારી તેની વાત કરતાં એકનાથ શિંદેએ કહ્યું હતું. કે અમે સત્તામાં આવ્યા પછી બિફોર ટાઈમ પ્રોજેક્ટ પૂરા કરવા માટે કૉન્ટ્રેક્ટરને ઈન્સેન્ટિવ આપવાનું ચાલું કર્યું અને તેને કારણે હવે સમયસર પૂરા કરવાનું શક્ય બન્યું છે.
એકનાથ શિંદેએ કહ્યું હતું કે રાજ્યમાં એક પછાત ગણાતા અને નક્સલવાદી ગણાતા ગઢચિરોલી જિલ્લામાં માઈનિંગ પ્રોજેક્ટ આવી રહ્યા છે. સ્ટીલ ઈન્ડસ્ટ્રી આવી રહી છે. આને કારણે વિસ્તારમાં 15,000 નવા રોજગાર મળશે.
શિવસેનાના પાંચ ઉમેદવાર જાહેર
મુંબઈની બે બેઠકો સહિત શિવસેનાએ બુધવારે પોતાના પાંચ ઉમેદવાર જાહેર કર્યા હતા. દક્ષિણ મુંબઈની પ્રતિષ્ઠિત બેઠક પરથી 20 વર્ષે મહિલા ઉમેદવાર મળ્યો છે. જયવંતીબહેન મહેતા 2004માં આ બેઠક પરથી લડ્યા હતા અને હવે શિવસેના દ્વારા આ બેઠક પરથી યામીની જાધવને ઉમેદવારી આપવામાં આવી છે. આ ઉપરાંત વાયવ્ય મુંબઈની બેઠક પરથી વિધાનસભ્ય રવીન્દ્ર વાયકરને ઉમેદવારી આપવામાં આવી છે.
થાણેની બેઠક પર એકનાથ શિંદેએ પોતાના હુકમના પત્તા નરેશ મ્હસ્કેને ઉમેદવારી આપી છે, જ્યારે કલ્યાણની બેઠક પરથી વર્તમાન સંસદસભ્ય શ્રીકાંત શિંદેને ઉમેદવારી આપવામાં આવી છે. અત્યાર સુધી ભારે વિવાદ અને ચર્ચામાં રહેલી નાશિકની બેઠક પરથી વર્તમાન સંસદસભ્ય હેમંત ગોડસેને ઉમેદવારી આપવામાં આવી છે.