બે-ત્રણ દિવસમાં મહાનગરપાલિકા ચૂંટણીઓની જાહેરાત…

પહેલા તબક્કામાં 19 અને બીજા તબક્કામાં મુંબઈ મનપા સહિત 10 મહાનગરપાલિકાની ચૂંટણીઓ કરવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં નગરપાલિકા નગર પંચાયતની ચૂંટણીઓમાં મળેલા જ્વલંત પ્રતિસાદથી પ્રોત્સાહિત થયેલી રાજ્યની મહાયુતિ સરકારે આગામી મહિને મહાનગરપાલિકાઓની ચૂંટણી કરવા માટેની તૈયારીઓ આદરી દીધી છે અને આધારભૂત સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર આગામી બે-ત્રણ દિવસમાં રાજ્યની 19 મહાનગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત કરી નાખવામાં આવશે.
જ્યારે મુંબઈ સહિતની બાકીની 10 મહાનગરપાલિકાની ચૂંટણીઓ બીજા તબક્કામાં તેમ જ જિલ્લા પરિષદ અને જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ તેના પછીના તબક્કામાં જાહેર કરવામાં આવશે એવું અત્યારે લાગી રહ્યું છે.ચૂંટણી પંચના આધારભૂત સાધનો અને કેટલાક અગ્રણી રાજકીય નેતાઓ પાસેથી મળતી માહિતી મુજબ 15 ડિસેમ્બરની આસપાસ રાજ્ય ચૂંટણી પંચ મહાનગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત કરે એવી શક્યતા છે.
સુપ્રીમ કોર્ટમાં ઓબીસી આરક્ષણની સુનાવણી બાકી હોવાથી જિલ્લા પરિષદ અને જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ હાલ પુરતી મુલતવી રાખવાનો વિચાર ચૂંટણી પંચ કરી રહ્યું છે એવું જાણવા મળ્યું હોવા છતાં વાસ્તવિક કારણ એ છે કે જે રીતે નગરપાલિકા અને નગર પંચાયતોની ચૂંટણીમાં મહાયુતિને નાગરિકોનો પ્રતિસાદ મળ્યો તેનાથી સત્તાધારી મહાયુતિના આત્મવિશ્ર્વાસમાં વધારો થયો છે. ભાજપને 100થી વધુ નગરપાલિકામાં પોતાના અધ્યક્ષ બેસાડવાનો વિશ્ર્વાસ છે.
આનાથી જ પ્રોત્સાહિત થઈને અત્યંત મહત્ત્વની મહાનગરપાલિકાઓની ચૂંટણી પહેલા કરાવી નાખવાની ઉતાવળ થઈ રહી હોવાનું કહેવાય છે.ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણીની જાહેરાત કર્યા પછી ઓછામાં ઓછા બાવીસ (22) દિવસમાં મતદાન કરાવી શકાય છે. 15 ડિસેમ્બરની આસપાસ ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તો આઠમી જાન્યુઆરીએ પણ ચૂંટણી (મતદાન) કરાવી શકાય છે, પરંતુ અત્યારે એવું માનવામાં આવે છે કે ચૂંટણીઓ 15 જાન્યુઆરીથી લઈને 20 જાન્યુઆરીની વચ્ચે થઈ શકે છે. કેમ કે ઉત્તરાયણની આડે હિન્દુત્વવાદી પક્ષ ચૂંટણી કરાવવા તૈયાર થશે નહીં.



