આમચી મુંબઈ

સરકારનો સમયસર પાલિકાની ચૂંટણી યોજવાનો પ્રયાસ, મહાયુતિ સાથે મળીને ચૂંટણી લડશે: ફડણવીસ

પુણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે કહ્યું હતું કે તેમની સરકાર રાજ્યમાં સમયસર પાલિકાઓની ચૂંટણીઓ કરાવવાનો પ્રયાસ કરશે અને પુનરોચ્ચાર કર્યો કે મહાયુતિ ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડશે.

પુણેમાં પત્રકારો સાથે વાત કરતા ફડણવીસે કહ્યું કે સત્તાધારી મહાયુતિના ભાગીદાર પક્ષો ભાજપ, એનસીપી અને શિવસેના શક્ય હોય ત્યાં સાથે મળીને લડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યાં બેઠકોની વહેંચણીની વ્યવસ્થા શક્ય ન હોય ત્યાં મતદારો સ્વતંત્ર રીતે ચૂંટણી લડી શકે છે.

મુખ્ય પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે મહાયુતિના ભાગીદારો પ્રચાર દરમિયાન એકબીજાની ટીકા કરવાનું ટાળશે.
‘અમે રાજ્યમાં સમયસર પાલિકાની ચૂંટણીઓ કરાવવાનો પ્રયાસ કરીશું. કેટલાક પ્રદેશોમાં ચોમાસુ વધુ તીવ્ર રહેવાની શક્યતા છે આવા સ્થળે જરૂર પડશે તો અમે ચૂંટણી પંચ પાસેથી 15-20 દિવસનો સમય લંબાવવાની માગણી કરીશું,’ એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો: પાલિકાની ચૂંટણી પૂર્વે ઉદ્ધવ ઠાકરે જૂથને ઝટકોઃ વધુ એક નેતાએ પાર્ટીનો સાથ છોડ્યો

સુપ્રીમ કોર્ટે છઠી મેના રોજ મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓનો માર્ગ ખોલી નાખ્યો હતો, જે ઓબીસી અનામતને મુદ્દે પાંચ વર્ષથી વધુ સમયથી અટકી પડી હતી, સુપ્રીમ કોર્ટે રાજ્ય ચૂંટણી પંચને ચાર અઠવાડિયામાં નોટિફાય કરવાનો આદેશ આપ્યો હતો.

ફડણવીસે કહ્યું હતું કે, મહાયુતિ એક સંયુક્ત એકમ તરીકે પાલિકાની ચૂંટણીઓ લડશે, જેને મીની વિધાનસભા ચૂંટણી પણ માનવામાં આવે છે.

‘અપવાદરૂપ કિસ્સાઓમાં, જો એવી શક્યતા હોય કે અમારે અલગ અલગ ચૂંટણી લડવી પડે, તો અમે તે પણ કરીશું. જોકે, અમે ખાતરી કરીશું કે મહાયુતિના ઘટકપક્ષો પ્રચાર દરમિયાન એકબીજાની ટીકા કરવાનું ટાળે. અમારો ભાર મોટાભાગે મહાયુતિ તરીકે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ સાથે મળીને લડવા પર રહેશે,’ એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો: માનો યા ના માનોઃ હવે ‘આ’ મહિના પછી જ થશે પાલિકાની ચૂંટણીઓ

ફડણવીસ પુણેમાં પાલિકા કમિશનરો અને મ્યુનિસિપલ કાઉન્સિલના મુખ્ય અધિકારીઓની વર્કશોપમાં હાજરી આપવા માટે ગયા હતા.

તેમણેે જણાવ્યું હતું કે, મહાયુતિ સરકાર સત્તામાં પાછી આવી ત્યારથી મોટા પાયે વહીવટી સુધારા લાવવા માટે પ્રતિબદ્ધ છે.
‘અમારું માનવું છે કે ઈ-ગવર્નન્સનો ઉપયોગ વધારવો એ આ પરિવર્તનને પ્રાપ્ત કરવા માટે ચાવીરૂપ છે, સાથે સાથે એકંદર વહીવટી કાર્યક્ષમતામાં પણ વધારો કરવો જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આ વર્કશોપ વધુ પારદર્શક, કાર્યક્ષમ અને લોકભોગ્ય શાસન પ્રણાલી તરફની તેમની સતત યાત્રાનો એક ભાગ છે.

આ પણ વાંચો: મુંબઈ પાલિકાની ચૂંટણી ક્યારે? આ તારીખે ચિત્ર સ્પષ્ટ થવાની સંભાવના

નાશિકમાં રાજ્યના પ્રધાન ગોપીચંદ પડળકરની હાજરીમાં એક કાર્યક્રમ દરમિયાન લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર દેખાડવામાં આવ્યા તે અંગે પૂછવામાં આવતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે જેલમાં બંધ ગેંગસ્ટરનો ફોટો પ્રદર્શિત કરનારાઓ સામે કાર્યવાહી કરવાની સૂચનાઓ જારી કરવામાં આવી છે.

ફડણવીસે કહ્યું કે સરકાર રાજ્યમાં કોઈપણ ગેંગસ્ટરનું મહિમામંડન કરવા દેવામાં આવશે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button