મહાયુતિ સરકાર ‘ખેડૂત વિરોધી’: ભૂતપૂર્વ સાંસદ રાજુ શેટ્ટી

મુંબઈ: ખેડૂત નેતા અને ભૂતપૂર્વ સાંસદ રાજુ શેટ્ટીએ મહારાષ્ટ્ર સરકાર પર ખેડૂતોને આપેલા લોન માફી સહિતના ચૂંટણી વચનો પૂરા ન કરવાનો આરોપ લગાવ્યો છે અને શાસક સરકાર દ્વારા વીઆઈપી મુલાકાતો પર ખર્ચ કરવા પર સવાલ ઉઠાવ્યા છે.
રવિવારે નાસિકમાં પત્રકારો સાથે વાત કરતા સ્વાભિમાની શેતકરી સંગઠનના પ્રમુખે દાવો કર્યો હતો કે સરકારની નીતિઓ ‘ખેડૂત વિરોધી’ છે. ‘ચૂંટણી પહેલા (ગયા વર્ષે) મહાયુતિ સરકારે જાહેર કરેલી લોન માફીનું શું થયું?’ એમ શેટ્ટીએ પૂછ્યું હતું.
આપણ વાંચો: મહારાષ્ટ્ર સરકારે સલાહકાર સમિતિ બનાવી
‘સોયાબીનના ખેડૂતોને મદદ મળતી નથી. અમે મંત્રાલયમાં ડુંગળી લઈને વિરોધ કર્યો હતો, તો અમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ જ સરકાર જાગી અને ડુંગળી પરની નિકાસ ડ્યુટી દૂર કરી હતી,’ એમ તેમણે જણાવ્યું હતું.
શેટ્ટીએ 12 એપ્રિલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની મુંબઈ નજીક રાયગડ જિલ્લામાં એનસીપી સાંસદ સુનીલ તટકરેના ઘરે મુલાકાત દરમિયાન યોજાયેલા ભોજન સમારંભ અંગે પણ સરકાર પર નિશાન સાધ્યું હતું.
‘તમે હેલિપેડ બનાવવા માટે 1.5 કરોડ રૂપિયા ખર્ચો છો જેથી કેન્દ્રીય પ્રધાન અમિત શાહ કોઈના ઘરે ‘આમરસ’ અને ‘મોદક’નો સ્વાદ લઈ શકે, પરંતુ તમે ખેડૂતોને એક રૂપિયો પણ નથી આપતા. શું તમને શરમ નથી આવતી?’ એમ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો: મહારાષ્ટ્ર સરકાર મેનહોલ સફાઈ માટે 100 રોબોટ ખરીદશે
‘તે દિવસે, શાહ સાંસદ સુનીલ તટકરેના ઘરે ખાનગી ભોજન માટે ગયા હતા. સામાજિક કાર્યકર્તા અંજલી દમણિયાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે આ કાર્યક્રમથી સરકારી તિજોરીને 1.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું,’ એમ તેમણે કહ્યું હતું.
શેટ્ટીએ વધુમાં દાવો કર્યો હતો કે પરભણી જિલ્લામાં એક ખેડૂત, જેણે 1.5 લાખ રૂપિયાનું દેવું લીધું હતું અને તેની ગર્ભવતી પત્નીએ તે જ રાત્રે આત્મહત્યા કરી હતી. ‘સરકાર આવા કેસોને અવગણી રહી છે,’ એવો તેમણે આરોપ લગાવ્યો હતો.
શેટ્ટીએ જણાવ્યું હતું કે અમિત શાહ હેલિકોપ્ટર દ્વારા સુતારવાડીમાં તટકરેના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જેના માટે ચાર યુનિટનું હેલિપેડ બનાવવામાં આવ્યું હતું.
‘હેલિપેડ માટે 1.39 કરોડ રૂપિયાનું ટેન્ડર સાતમી એપ્રિલે બહાર પાડવામાં આવ્યું હતું અને નવમી એપ્રિલે એક અખબારમાં પ્રકાશિત થયું હતું,’ એવો તેમણે દાવો કર્યો હતો.