મહાયુતિ જો બીએમસી ચૂંટણીમાં સત્તા પર આવશે તો ‘જેન ઝી’નો ઇન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપના એક નેતાએ સોમવારે જણાવ્યું હતું કે જો મહાયુતિ ગઠબંધન બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી જીતશે તો પાલિકાના વહીવટને મજબૂત બનાવવા માટે ‘જેન-ઝી’ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.
મહાયુતિમાં ભાજપ, શિવસેના અને એનસીપી મુખ્ય ઘટકપક્ષો છે. મુંબઈ ભાજપના પ્રમુખ અને વિધાનસભ્ય અમિત સાટમે સોમવારે જણાવ્યું હતું કે ઇન્ટર્નશિપની પહેલ પાલિકાની કાર્યપ્રણાલીમાં સુધારો કરવામાં મદદ કરવા માટે નાગરી વહીવટ અને નીતિ-નિર્માણમાં યુવા વિદ્યાર્થીઓને સામેલ કરવાના હેતુથી કરવામાં આવશે.
આપણ વાંચો: શિવસેના મહાયુતિ ગઠબંધન સાથે મળીને મુંબઈ મનપાની ચૂંટણી લડશે એકનાથ શિંદે
ભારતની ઈન્ટરનેશનલ મુવમેન્ટ ટુ ધ યુનાઇટેડ નેશન્સ (આઈઆઈએમયુએન) દ્વારા અહીં વાય. બી. ચવ્હાણ સેન્ટર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં સાટમે પ્રથમ વખતના મતદારો સાથે વાતચીત કરી હતી.
જેન-ઝીમાં સામાન્ય રીતે 1990ના દાયકાના મધ્યથી અંત સુધી 2010ના દાયકાની શરૂઆતમાં જન્મેલા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તેઓ ‘ડિજિટલ નેટિવ્સ’ તરીકે પણ ઓળખાય છે, જે ઇન્ટરનેટ અને મોબાઇલ ટેકનોલોજી સાથે ઉછર્યા છે.
સાટમે જણાવ્યું હતું કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાય તે પછી, મુંબઈના 24 વહીવટી વોર્ડ માટે બે અને બીએમસી હેડક્વાર્ટરમાં બે, એમ 50 ઇન્ટર્નની ભરતી કરવામાં આવશે.
‘જાહેર નીતિ અને વહીવટમાં તાલીમ પામેલા પસંદ કરાયેલા ઇન્ટર્ન, નાગરી પ્રણાલીઓનું નિરીક્ષણ કરશે, સુધારા સૂચવશે અને શહેરી આયોજન અને શાસનને મજબૂત બનાવવા માટે સંશોધન પત્રો તૈયાર કરશે,’ એમ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો: મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી 2024: મહાયુતિ ગઠબંધનમાં એનસીપીની 6 બેઠકો શરતોને આધીન
ભાજપના નેતાએ મુંબઈમાં વારંવારના પૂરની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે આઈઆઈટી અને વીજેટીઆઈના નિષ્ણાતોનો સમાવેશ કરીને એક અભ્યાસ જૂથની રચના કરવાની પણ જાહેરાત કરી હતી.
‘આ પેનલ ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનરો અને વરસાદી પાણીના નિકાલ વિભાગના ભૂતપૂર્વ મુખ્ય ઇજનેરો સાથે સલાહ-મસલત કરશે, શહેરની ભૂગોળ અને વરસાદનું વિષ્લેષણ કરશે અને અસરકારક પૂર નિવારણ યોજનાઓ ઘડવા માટે સમાન હવામાન પેટર્ન ધરાવતા અન્ય વૈશ્ર્વિક શહેરો સાથે તેની તુલના કરશે,’ એમ તેમણે ઉમેર્યું હતું.
મહારાષ્ટ્રમાં લાંબા સમયથી પડતર બીએમસી સહિતની પાલિકાઓની ચૂંટણીઓનું સમયપત્રક હજુ જાહેર કરવામાં આવ્યું નથી.