મહાયુતિનો ઉકળી રહેલા ચરુનો વિસ્ફોટ થશે કે ઠંડું પાણી પડશે?

બિહારના શપથ ગ્રહણમાં ત્રણેય હાજર રહે ત્યારે શું થાય તેના પર બધાની નજર
વિપુલ વૈદ્ય
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકીય વાતાવરણમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓની ગરમી વચ્ચે તાપમાન અચાનક વધી ગયું હતું અને મંગળવારના ઘટનાક્રમથી વ્યથિત નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અચાનક દિલ્હી જવા રવાના થઈ ગયા હતા, બીજી તરફ રાજ્યની પ્રવર્તમાન સ્થિતિ પર દેવેન્દ્ર ફડણવીસે બીજા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથે બેઠક કરીને રાજકીય સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આના પરથી રાજકીય નિરીક્ષકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે દિલ્હીથી આ ઉકળી રહેલા ચરુ પર ઠંડું પાણી રેડવામાં નહીં આવે તો રાજ્યમાં વિસ્ફોટ થવાની શક્યતા છે.
રાજ્યમાં ભાજપ અને શિવસેના વચ્ચે વધતા સંઘર્ષ વચ્ચે, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ઉતાવળે દિલ્હી જવા રવાના થઈ ગયા અને ત્યાં તેઓ અમિત શાહ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે એવું જાણવા મળ્યું હતું.
શિંદેની સેનાના પ્રધાનોએ મંગળવારે કેબિનેટ બેઠકનો બહિષ્કાર કરવાનું હથિયાર અજમાવ્યું હતું. ત્યારબાદ, શિંદેના પ્રધાનો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પણ મળ્યા હતા. શિંદેના પ્રધાનોની નારાજી પર ફડણવીસે સામી ચાર વાતો ચોપડાવી હતી આ બધા ઘટનાક્રમની વચ્ચે શિંદે બુધવારે દિલ્હી જવા રવાના થયા છે.
આજે પોલીસ વિભાગનો એક કાર્યક્રમ હતો. તેમનું આમંત્રણ એકનાથ શિંદેને પણ આપવામાં આવ્યું હતું, પરંતુ શિંદેના નજીકના વર્તુળોએ માહિતી આપી હતી કે તેઓ કાર્યક્રમમાં ગેરહાજર રહેશે. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર હાજર રહ્યા હતા. શિંદેની ગેરહાજરી ખૂબ ચર્ચામાં રહી હતી. છેલ્લા કેટલાક દિવસોના ઘટનાક્રમને જોતાં, શિંદેની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી.
દિલ્હી ગયેલા શિંદે કાલે બિહાર જશે. એનડીએ સરકારનો શપથ ગ્રહણ સમારોહ કાલે પટણામાં યોજાશે. શિંદે પોતાના પટણા પ્રવાસ દ્વારા સંદેશ આપશે કે તેઓ એનડીએ સાથે મજબૂત રીતે જોડાયેલા છે. બીજી તરફ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ આ શપથગ્રહણમાં હાજર રહે એવી શક્યતા વચ્ચે ત્રણેય વચ્ચે શું થાય છે તેના પર નજર રહેશે.
શિંદેની સેના અને ભાજપ વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચી ગયો છે. કલ્યાણ-ડોમ્બિવલીના શિવસેનાના ભૂતપૂર્વ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા. પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણની હાજરીમાં પાર્ટી પ્રવેશ સમારોહ યોજાયો હતો. આના કારણે શિંદેની સેનામાં ભારે નારાજગી ફેલાઈ હતી. શિંદેના ગઢ થાણે અને શ્રીકાંત શિંદેના લોકસભા મતવિસ્તાર કલ્યાણમાં આ ઘટનાઓ બનતી હોવાથી શિંદેની સેનામાં અશાંતિ વધી ગઈ.
આપણ વાચો: નારાજ ભુજબળ ફડણવીસને મળ્યા, રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરી
વધુમાં, ભાજપના પ્રદેશ પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણની હાજરીમાં પાર્ટી પ્રવેશથી સંદેશ મળ્યો કે રાજ્યમાં ભાજપનું નેતૃત્વ આ બધા પાછળ છે. આને કારણે, શિંદે સેના ખૂબ જ અસ્વસ્થ છે.
બીજી તરફ એકનાથ શિંદે દિલ્હી રવાના થયા હોવાની જાણકારી મળતાં જ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બીજા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર વચ્ચે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન વર્ષા પર બેઠક થઈ હતી. એકનાથ શિંદે નારાજ છે તે બાબતે બંને નેતાઓએ ચર્ચા કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એટલું જ નહીં, આવી જ રીતે એકનાથ શિંદેની નારાજી વધતી રહે તો શું રસ્તો કાઢવો એના પર પણ બંનેએ ચર્ચા કરી હોવાનું આધારભૂત સાધનો પાસેથી જાણવા મળ્યું હતું.
બીજી તરફ શિંદે સેનાના પ્રધાન પ્રતાપ સરનાઈક દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે મહાયુતિમાં કોઈ વિખવાદ નથી અને કુટુંબમાં નાના-મોટા વિવાદ થાય છે એવો જ વિવાદ છે. અત્યારે સમાધાન થઈ ગયું છે અને નિર્ણય લેવામાં આવ્યો છે કે એકબીજાની પાર્ટીના નેતાઓને પક્ષપ્રવેશ આપવો નહીં તેનું પાલન કરાશે.



