‘મહાયુતિ’ની એકતામાં સંકટ?: નવાબ મલિક માટે અજિત પવારનું સ્ટેન્ડ જાણી લો?
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસ બાકી છે ત્યારે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી (MVA) વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. એવામાં મહાયુતિમાં પણ સાથી પક્ષોની વિરુદ્ધ જઇને અજિત પવાર જૂથ તરફથી નિવેદન કરવામાં આવી રહ્યા છે. એક બાજુ યોગી આદિત્યનાથના નારાથી વિપરીત નિવેદન આપ્યા પછી હવે નવાબ મલિક માટે પ્રચાર કરવા માટે નિવેદન આપીને મહાયુતિની યુનિટી અંગે સંકટ ઊભું થઈ શકે છે.
ભાજપ (ભારતીય જનતા પાર્ટી) અને એકનાથ શિંદેની શિવસેનાની મરજીના વિરુદ્ધ અજિત પવાર જૂથ દ્વારા નવાબ મલિકને ચૂંટણીની ઉમેદવારી આપવામાં આવી છે. ફડણવીસ અને શિંદેએ તેમની માટે પ્રચાર ન કરવાનું નક્કી કર્યું છે. ફડણવીસે નવાબ મલિકનો ગૅંગસ્ટર દાઉદ સાથે સંબંધ હોવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે હવે અજિત પવાર કહે છે કે હું નવાબ મલિકને ઘણા સમયથી ઓળખું છું અને તેમનો દાઉદ સાથે કોઇ સંબંધ નથી.
‘અનેક નેતાઓ પર ઘણા આરોપો થયા છે તેમજ નવાબ મલિક સામે પણ આરોપો થયા છે, પણ આ આરોપો સિદ્ધ થયા નથી. મલિકને સજા પણ થઇ હતી. દેશ સ્વતંત્ર થયા બાદ અનેક નેતાઓ પર આરોપો થયા હતા જેઓના વિરોધમાં આરોપો સિદ્ધ થયા તેઓ રાજકારણથી દૂર થયા. જેમના ઉપરના આરોપો સિદ્ધ ન થયા તેઓ મુખ્ય પ્રધાન, વડા પ્રધાન બન્યા, વિવિધ પદ સંભાળ્યા’, એમ અજિત પવારે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો :મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગુજરાતની સફેદ ડુંગળીની એન્ટ્રી, જયરામ રમેશે ઉઠાવ્યો સવાલ
નવાબ મલિક અમારા ઉમેદવાર છે તેથી અમે પ્રચાર કરીશું જ. હું નવાબ મલિકને છેલ્લા ૩૫ વર્ષથી ઓળખુ છું. તેઓ દાઉદને સાથ આપી શકે જ નહીં. સેલિબ્રિટિઓ પર પણ આવા આરોપો થયા છે, પરંતુ તે સિદ્ધ ન થાય ત્યાં સુધી કોઇને પણ દોષી ઠરાવવાનું યોગ્ય નથી, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
નવાબ મલિક જે મતવિસ્તારથી ચૂંટણી લડવાના છે તે જગ્યા પર શિંદે-સેનાનો ઉમેદવાર પણ મેદાનમાં છે. મહાયુતિમાં આવું પાંચ જગ્યાએ થયું છે, જ્યારે મહાવિકાસ આઘાડીમાં પણ આવું ઘણી બેઠકો પર થયું છે, એમ નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.