મહાયુતિમાં અમુક બેઠકો પર મૈત્રીપૂર્ણ લડત? અહેવાલોને અપાયો રદિયો…
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી નજીક આવતા મહારાષ્ટ્રમાં એક બાજુ ત્રીજો મોરચો ખુલી શકે તેવી શક્યતા વર્તાવાઇ રહી છે ત્યારે અજિત પવારે કુટુંબમાં તિરાડ ન પડવી જોઇએ તેવા આપેલા ભાવનાત્મક નિવેદનોને પગલે પણ તર્ક-વિતર્ક થઇ રહ્યા છે. એવામાં મહાયુતિમાં અમુક બેઠકો પર મૈત્રીપૂર્ણ લડત જોવા મળે, તેવા અહેવાલ છે.
વિરોધ પક્ષો દ્વારા તો અજિત પવાર મહાયુતિમાંથી છૂટા પડીને સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે તેવો પ્રચાર કરતા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. જોકે લગભગ પચ્ચીસ બેઠકો પર મૈત્રીપૂર્ણ લડવાનો પ્રસ્તાવ અજિત પવાર સમક્ષ મૂકવામાં આવ્યો હોવાના અહેવાલ મંગળવારે વહેતા થયા હતા. આ અહેવાલ મહાયુતિના ભાગ એવા વિધાનસભ્ય રવી રાણાએ કરેલા દાવા બાદ વહેતા થયા હતા.
રાણાએ કહ્યું હતું કે જે બેઠકો પર ત્રણેય પક્ષ(મહાયુતિના)ના ઉમેદવારો મજબૂત હોય છે તે બેઠકો પર એક ઉમેદવાર ઊભો કરાય તો નુકસાન થાય છે. ભાજપે જે પચ્ચીસ બેઠકો પર મૈત્રીપૂર્ણ લડતનો પ્રસ્તાવ અજિત પવાર સમક્ષ મૂક્યો છે, તે તેમણે સ્વીકારવો જોઇએ. અજિત પવારે તેમના દમદાર ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારશે અને ભાજપ પણ તેમના મજબૂત ઉમેદવાર ચૂંટણીમાં ઉતારશે તો મહાયુતિને જ નુકસાન થશે, એમ રાણાએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપે જે પચ્ચીસ બેઠકોનો પ્રસ્તાવ મૂક્યો છે તેમાં અમરાવતી શહેર બેઠકનો પણ સમાવેશ થાય છે. બડનેરા મતવિસ્તારમાં હું મહાયુતિનો ઉમેદવાર છું અને દેવેન્દ્ર ફડણવીસજીએ મને લીલી ઝંડી દાખવી છે. હું યુવા સ્વાભિમાન પક્ષ વતી લડીશ અને મારું ચૂંટણીચિહ્ન પાનો છે. મારા પક્ષ માટે મેં મહાયુતિમાં પાંચથી છ બેઠકો માગી છે.
આ પણ વાંચો : અજિત પવારનો ‘પસ્તાવો’ વિધાનસભાની ચૂંટણી જીતવામાં મદદ કરશે નહીં: સંજય રાઉત
મૈત્રીપૂર્ણ લડતનો કોઇ પ્રસ્તાવન નથી
મહાયુતિમાં અમુક બેઠકો પર મૈત્રીપૂર્ણ લડત થશે તેવી વાતોને અજિત પવાર જૂથના રાજ્યસભાના સાંસદ પ્રફુલ્લ પટેલે રદીયો આપ્યો હતો. પ્રફુલ્લ પટેલે આ પ્રકારનો કોઇ પ્રસ્તાવ ભાજપને ન મૂક્યો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ભાજપના નેતા તેમ જ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેએ પણ આ અહેવાલને ફગાવી દીધો હતો. તેમણે કહ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિના પક્ષો વચ્ચે કોઇપણ બેઠકમાં મૈત્રીપૂર્ણ લડત નહીં થાય. સિવાય તેમણએ ટૂંક સમયમાં મુખ્ય પ્રધાનપદ માટે ચહેરાની જાહેરાત કરવામમાં આવશે, એમ પણ દાનવેએ જણાવ્યું હતું.