આમચી મુંબઈ

તેમના ઉમેદવારોએ કેમ નામ પાછા ખેંચી લીધા? બિનહરીફ જીત મુદ્દે અમિત સાટમે વિપક્ષ પર કર્યા પ્રહાર

મુંબઈ: મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાય એ પહેલા જ મહાયુતિના 68 ઉમેદવારો બિનહરીફ જીત્યા છે. જેને લઈને ઘણા સવાલો ઊભા થયા છે. રાજ્ય ચૂંટણી પંચે આ અંગે તપાસના આદેશ આપ્યા છે. ત્યારે હવે બિનહરીફ ઉમેરદવારોની જીતને લઈને ભાજપના એક નેતાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં વિપક્ષ પર આકરા સવાલ કરવામાં આવ્યા છે.

વિપક્ષ પાસે કોઈ આધાર રહ્યો નથી

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના 44, શિવસેનાના શિંદે જૂથના 22 અને અજિત પવારની પાર્ટીના બે ઉમેદવારો બિનહરીફ જીત્યા છે. જેને લઈને ઘણા સવાલો ઊભા થયા છે. ત્યારે ભાજપના અમિત સાટમે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. અમિત સાટમે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “અમારો વિપક્ષ પર સીધો આરોપ છે. તેમણે પોતાના ઉમેદવારોના નામ પાછા કેમ ખેંચી લીધા, એનો જવાબ તેમણે આપવો જોઈએ. સત્ય એ છે કે લોકો પીએમ મોદી અને દેવેન્દ્ર ફડણવીસના કામથી પ્રભાવિત છે. જેથી વિપક્ષ પાસે કોઈ આધાર રહ્યો નથી.”

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે અંગે અમિત સાટમે જણાવ્યું હતું કે, “પોતાની પૂરી થઈ રહેલી રાજનીતિને બચાવવા માટે ઉદ્ધવ ઠાકરેએ બાળા સાહેબ ઠાકરેના વિચારોને શ્રદ્ધાંજલિ આપી દીધી છે. નવાઈની વાત તો એ છે કે તેમના ભાઈ (રાજ ઠાકરે) પણ હવે ચૂપ છે.”

બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોની થશે તપાસ

મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે બિનહરીફ જીતેલા ઉમેદવારોની તપાસનો આદેશ આપ્યો છે. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, જે ઉમેદવારોને ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા છે તેનો પાછળ શું કારણ છે. તેમજ ઉમેદવાર બિનહરીફ જાહેર થાય તે માટે કોઈએ અન્ય ઉમેદવારને દબાણ કર્યું છે કે નહી. આ અંગે રિપોર્ટ ચૂંટણી પંચ જમા કરાવવા જણાવવામાં આવ્યું છે. તેની બાદ મહારાષ્ટ્ર ચૂંટણી પંચ રિપોર્ટના આધારે બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોના નામ જાહેર કરશે.

મુલુંડ બેઠક પર વિપક્ષનો એકેય ઉમેદવાર નહી

ઉલ્લેખનીય છે કે, બિનહરીફ ઉમેદવારો ઉપરાંત કેટલીક બેઠકો એવી છે, જ્યાં વિપક્ષે દેખીતી રીતે ઢીલ મૂકી દીધી હોય એવું લાગી રહ્યું છે. BMCની ચૂંટણીમાં મુલુંડના વોર્ડ નંબર-107ના ઉમેદવાર અને ભાજપના નેતા કિરીટ સોમૈયાના દીકરા નીલ સોમૈયા સામે વિપક્ષે પોતાનો કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો નથી. જોકે, અપક્ષ ઉમેદવારો હજુ પણ નીલ સોમૈયા સામે ચૂંટણી લડવા તૈયાર છે. પરંતુ રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે કે, હવે આ બેઠક પરથી નીલ સોમૈયાની જીત નિશ્ચિત છે. નીલ સોમૈયાએ અગાઉ પણ આ બેઠક પરથી જીત મેળવી હતી.

આ પણ વાંચો…મહારાષ્ટ્રની ૨૯ મહાનગરપાલિકામાં ૧૫,૯૩૧ ઉમેદવાર ચૂંટણીનો જંગ લડશે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button