મહાવિકાસ આઘાડી રાજ્યમાં 40 લોકસભાની બેઠક જીતશે: સંજય રાઉતનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની આગામી ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપની એનડીએ આઘાડી અને વિપક્ષની ઈન્ડિયા આઘાડી જોરદાર તૈયારીમાં લાગ્યા છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં રાજ્યમાં ભાજપની મહાયુતી આઘાડીને લોકસભાની 48માંથી ફક્ત 18થી 20 બેઠક મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આના પર બોલતાં શિવસેના (યુબીટી) જૂથના સંસદસભ્ય સંજય રાઉતે એવી આગાહી કરી હતી કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (શિવસેના-કૉંગ્રેસ-એનસીપી) 40 બેઠકો જીતશે.
ભાજપે લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્ર માટે ‘મિશન 45’નું એલાન કર્યુું હતું, એટલું જ નહીં બારામતી સહિતની બેઠકો જીતવા માટે વિશેષ કવાયત પણ હાથ ધરી હતી. રવિવારે જાહેર કરવામાં આવેલા સર્વેક્ષણમાં કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડીને 25-28 બેઠક મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી ભાજપના સપનાં ચકનાચૂર થતા જોવા મળી રહ્યા છે. સંજય રાઉતને જ્યારે આ બાબતે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી 35થી 40 બેઠકો પર વિજય મેળવશે. આ પહેલું સર્વેક્ષણ હશે. લોકસભાની ચૂંટણી પહેલાં સ્થિતિ બદલાશે, મહત્ત્વના લોકો મહાવિકાસ આઘાડીમાં જોડાઈ જશે. ત્યારબાદ ફરીથી ગણિત બદલાશે. અમને 40 બેઠકો પર વિજય મેળવવાનો વિશ્ર્વાસ છે, એમ સંજય રાઉતે કહ્યું હતું.
ભાજપના મિશન 45ની હાંસી ઉડાવતાં તેમણે કહ્યું હતું કે ભાજપ દેશમાં એકહજાર અને રાજ્યમાં 148 બેઠકો પર વિજય હાંસલ કરશે. તે હવાનો પક્ષ છે. અત્યારે આ પક્ષ જે બે ઘોડીઓ પર ઊભો છે. તેમાં શિંદે અને અજિત પવાર જૂથનો સમાવેશ થાય છે. તેમને ભરોસે 45 બેઠકોની વાત કરવાનું હાસ્યાસ્પદ છે.