‘સંવિધાન હત્યા દિવસ’ અંગે મહાવિકાસ આઘાડીનો પ્રહાર
નરેન્દ્ર મોદીનો કાર્યકાળ ઇમરજન્સી જેવો જ છે: રાઉત
મુંબઈ: ભાજપના નેતૃત્વની કેન્દ્ર સરકારે 25મી જૂનના દિવસ એટલે કે જે દિવસે કોંગ્રેસના વડા પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી(ઇમરજન્સી) લાદવામાં આવી હતી, તેને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે જાહેર કર્યો છે અને આ મામલે વિરોધ પક્ષે હવે ભાજપ પર નિશાન સાધ્યું છે.
શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા આ મુદ્દે ભાજપ પર પ્રહાર કરવામાંઆવ્યા છે. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે ભાજપની ટીકા કરતા કહ્યું હતું કે ઇમરજન્સી લાદવામાં આવી તેને પચાસ વર્ષ વીતી ગયા હોવા છતાં ભાજપ ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા કરતાં ભૂતકાળમાં જ ડોકિયું કર્યા કરે છે.
શરદ પવાર જૂથના નેતાએ ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે જોે ભાજપે લોકસભામાં 400 બેઠકો જીતી હોત તો તે તેમણે ‘સંવિધાન બદલી દિવસ’ મનાવ્યો હોત.
આ પણ વાંચો: કઠુઆ આતંકવાદી હુમલા અંગે સંજય રાઉતે ચિંતા વ્યક્ત કરી, સરકારને કર્યો આ સવાલ?
ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે શક્રવારે 25મી જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે પાળવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. એ દિવસો દરમિયાન જે લોકોએ અમાનવીય યાતનાઓ સહી તેમના મહાન યોગદાનને યાદ કરવા માટે આ દિવસ પાળવામાં આવશે, એવી જાહેરાત શાહે કરી હતી.
રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીનું શાસન ઇમરજન્સી જેવું જ છે. કોઇને પણ ઉઠાવીને જેલમાં નાંખી દેવામાં આવે છે. આજે અદાલતો પર દબાણ છે. તમે કેન્દ્રિય સંસ્થાઓ ચલાવી રહ્યા છો અને વિરોધીઓને જેલમાં બંધ કરી રહ્યા છો. ભ્રષ્ટાચાર અને અંધાધૂંધી વધઈ રહી છે. ચીન ઘૂસણખોરી કરી રહ્યું છે. આ પરિસ્થિતિ ઇમરજન્સી જેવી જ છે. ઇંદિરાજી વધુ ખતરનાક પરિસ્થિતિમાં કામ કરી રહ્યા હતા, એમ રાઉતે જણાવ્યું હતું.
એનસીપીના પ્રવક્તા સ્લાઇડ ક્રેસ્ટોએ જણાવ્યું હતું કે ભાજપ લોકસભામાં 400 બેઠકો જીતી હોત તો તેમણે સંવિધાન બદલી દિવસ જાહેર કર્યો હોત. જોકે, તે પોતાની યોજનાઓમાં નિષ્ફળ નિવડી એટલા માટે તે સંવિધાન હત્યા દિવસ જાહેર કરી રહી છે.