મહાવિકાસ આઘાડીમાં ભંગાણ? | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મહાવિકાસ આઘાડીમાં ભંગાણ?

વિપુલ વૈદ્ય
મુંબઈ:
મુંબઈ મહાનગરપાલિકા સહિત રાજ્યની 29 મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે કૉંગ્રેસે પ્રસ્તાવિત ઉમેદવારો માટે અરજીઓ મગાવી હોવાથી મહાવિકાસ આઘાડીમાં ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યા છે. આધારભૂત સાધનો પાસેથી જાણવા મળ્યા મુજબ કૉંગ્રેસે રાજ્યની બધી જ મનપાની ચૂંટણીઓ અને જિલ્લા પરિષદની ચૂંટણીઓ માટે પ્રસ્તાવિત ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવી છે.

હજી તો રાજ્યમાં મનપા/સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ માટેની તારીખોની જાહેરાત પણ કરવામાં આવી નથી, ત્યાં જ કૉંગ્રેસે ચૂંટણીઓ લડવા માટેની પોતાની તૈયારીઓ જોરશોરથી ચાલુ કરી દીધી છે.

આપણ વાંચો: ગેંગસ્ટર ઘાયવળના ભાગી જવા માટે મહાવિકાસ આઘાડીની સરકાર જવાબદાર: ફડણવીસ…

હજી સુધી મહાવિકાસ આઘાડીમાં આ બાબતે કોઈ ચર્ચા પણ કરવામાં આવી નથી અને કોણ કેટલી બેઠકો પર લડશે એ પણ નક્કી નથી થયું ત્યારે કૉંગ્રેસ તરફથી જે રીતે બધી જ બેઠકો માટે ઉમેદવારીઓ મગાવવામાં આવી રહી છે તેના પરથી રાજકીય નિરિક્ષકોનું માનવું છે કે ભાજપની જેમ જ કૉંગ્રેસ પણ સ્વબળે ચૂંટણીઓ લડવાની તૈયારીમાં છે.

અહીં ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસના રાજ્ય એકમના અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળ અત્યાર સુધી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની મુલાકાતોને સામાન્ય ગણાવી રહ્યા હતા તેમણે અચાનક સોમવારે પોતાનું વલણ બદલીને એવી જાહેરાત કરી નાખી હતી કે રાજ ઠાકરેને મહાવિકાસ આઘાડીમાં સ્થાન આપી શકાશે નહીં.

તેમણે એમ પણ કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરેની સાથે જવાનો આગ્રહ રાખશે તો કૉંગ્રેસે ફેરવિચાર કરવો પડશે. આ બાબતને મહાવિકાસ આઘાડીના કોફિનનો પહેલો ખીલો માનવામાં આવી રહ્યો છે.

આપણ વાંચો: મહાવિકાસ આઘાડીને ‘પાડવા’ માટે હવે સંજય રાઉતે કર્યો નવો દાવો, દિલ્હીમાં રચાયું કાવતરું

આગામી દિવસોમાં આ રાજકીય ઘટનાક્રમ કેવો આકાર લે છે તે જોવાનું રહેશે. અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યની બધી જ 29 મહાનગરપાલિકાઓ અને બધી જ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં નોંધપાત્ર હાજરી ધરાવતો રાજ્યનો એકમાત્ર પક્ષ કૉંગ્રેસ છે. શરદ પવારની પાર્ટી હોય કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી બધી જ મનપા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં તેમની હાજરી નથી.

આવી સ્થિતિમાં ફરી એકવખત પાર્ટીને ઊભી કરવી હોય તો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં પૂરી તાકાત સાથે ઉતરવું કૉંગ્રેસ માટે બધી રીતે લાભદાયક નીવડી શકે છે એવું કૉંગ્રેસના જ્યેષ્ઠ નેતાઓનું માનવું છે.

જે રીતે કૉંગ્રેસ આગળ વધી રહી છે તે બાબતને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે કેવું વલણ અપનાવે છે તે જોવાનું રહેશે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button