આમચી મુંબઈ

મહાવિકાસ આઘાડી ભંગાણને આરે?

કૉંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં એકલેપંડે લડવાની તૈયારીઓ આદરી: 48 બેઠક પર મગાવી ઈચ્છુક ઉમેદવારની અરજી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોની ગતિવિધી વધી રહી છે. આ બધાની વચ્ચે મહાવિકાસ આઘાડીના ઘટકપક્ષ કૉંગ્રેસે એકલેપંડે લડવાની તૈયારીઓ આદરી હોવાનું સામે આવતાં રાજકીય વર્તુુળોમાં તર્કવિતર્ક થઈ રહ્યા છે. એક તરફ કૉંગ્રેસ ઈન્ડિયા આઘાડી તૈયાર કરીને તેની બેઠકો યોજી રહી છે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીના સાથી પક્ષોને અલગ કરીને એકલેપંડે ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. આ પગલું રાજ્યના સાથી પક્ષો પર દબાણ લાવવાની ટેકટિક હોવાનું કેટલાક લોકોનું માનવું છે.

મુંબઈમાં આવેલા મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ કમિટી (એમપીસીસી)ના કાર્યાલયનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લોકસભાની રાજ્યની બધી 48 બેઠકો પર ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજી મગાવવામાં આવી છે.

મહાવિકાસ આઘાડીમાં અત્યારે બેઠકોની વહેંચણીને મુદ્દે અનેક અવરોધો સર્જાયા છે. શિવસેના (ઉબાઠા) સૌથી વધુ બેઠકો પર લડવા માગે છે, કૉંગ્રેસ પોતે પણ સૌથી મોટો પક્ષ બનવા માગે છે. આ બધા વચ્ચે એનસીપી (શરદ પવાર જૂથ) અને વંચિત બહુજન આઘાડી (પ્રકાશ આંબેડકર) પણ સમાન ન્યાયની વાતો કરીને વધુ બેઠકોની માગણી આડકતરી રીતે કરી રહ્યા છે. આ બધામાં મહાવિકાસ આઘાડી લોકસભાની ચૂંટણી સુધી અકબંધ રહેશે કે નહીં એવી શંકા જાગી રહી છે, ત્યારે કૉંગ્રેસે 48 બેઠકો માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી 10મી જાન્યુઆરી સુધીમાં અરજીઓ મગાવી હોવાથી મહાવિકાસ આઘાડીમાં ભંગાણ નિશ્ર્ચિત માનવામાં આવી રહ્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખર્ગે અને રાહુલ ગાંધીની હાજરીમાં થયેલી પાર્ટીની ટોચની બેઠકમાં મહારાષ્ટ્રના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે, વિધાનમંડળ પક્ષના નેતા બાળાસાહેબ થોરાત, પાર્ટીના રાષ્ટ્રીય સચિવ, પ્રભારી વગેરે સાથે ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં શું થયું તે જાહેર કરવામાં આવ્યું નહોતું, પરંતુ મુંભઈ આવ્યા બાદ પટોલેએ રાજ્યના બધા જ પાર્ટીના જિલ્લાધ્યક્ષોને ઈચ્છુક ઉમેદવારોના નામ 10 જાન્યુઆરી સુધી મોકલવા જણાવ્યું છે.

કૉંગ્રેસે સંભવિત ઉમેદવારોના નામ મગાવ્યા હોવાનું બહાર આવ્યા બાદ સંજય રાઉતે કહ્યું હતું કે જો કોઈ પક્ષ પોતાની ક્ષમતા ચકાસવા માગતો હોય તો એમાં કશું ખોટું નથી. ઉદ્ધવ ઠાકરેએ પણ રાજ્યની બધી જ 48 બેઠકોની સમીક્ષા કરી હતી, પરંતુ એનો અર્થ એવો થતો નથી કે શિવસેના (યુબીટી) 48 બેઠકો પર ચૂંટણી લડવા માગે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button