મહાવિકાસ આઘાડીનું નક્કી થઈ ગયું: 25 તારીખે મતદારસંઘની બેઠકોની વહેંચણી જાહેર કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બેઠકોની વહેંચણીની ચર્ચા ચાલી રહી છે. લોકસભાની બેઠકોની વહેંચણીના મુદ્દે રાજ્યની મહાવિકાસ આઘાડીમાં મતભેદ હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે તેના પર પડદો પાડતાં એનસીપી (શરદ પવાર જૂથ)ના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે શનિવારે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડીની બે દિવસમાં બેઠક થશે અને 25 તારીખે બેઠકોની વહેંચણીની જાહેરાત કરવામાં આવશે.
અમારી વચ્ચે કોઈ વિવાદ નથી અને 25મીએ બેઠકોની વહેંચણી માટેની સંયુક્ત બેઠક છે અને તે જ દિવસે બેઠકોની વહેંચણીની જાહેરાત કરવામાં આવશે, એમ પણ જયંત પાટીલે કહ્યું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર એનસીપીના વિધાનસભ્યોની અપાત્રતા પિટિશન પર 23 જાન્યુઆરીથી સુનાવણી ચાલુ કરશે. શરદ પવાર જૂથના નેતા જયંત પાટીલે કહ્યું હતું કે અમારી સુનાવણી શનિવારે થઈ રહી હતી. સામેના પક્ષ (અજિત પવાર જૂથ) દ્વારા વધુ સમય માગવામાં આવ્યો હતો અને તેમને 23મી જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. સુનાવણી 23 તારીખથી ચાલુ થશે.