મહારેરાની વેબસાઇટ પ્રમોટર્સ-એજન્ટો માટે ૧૩-૩૧ ઓગસ્ટ સુધી બંધ રહેશે
મુંબઈ: મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (મહારેરા)નું સુધારિત મહા-કમ્પ્લેઇન્ટ એન્ડ રેગ્યુલેટરી ઇન્ટિગ્રેટેડ ટેક્નોલોજી ઇમ્પ્લિમેન્ટેશન (મહા-ક્રિટી) પોર્ટલ ૩૧મી ઓગસ્ટે નવા ફીચર્સ સાથે રીલૉન્ચ થશે. સુધારિત પોર્ટલમાં વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઘણા ઉપયોગી ફીચર્સ હશે જેમાં તેના યુઝર્સનો અનુભવ, ડેટા એનાલિટિક્સ અને વ્યક્તિગત ડેશબોર્ડ જેવી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ હશે.
મહારેરાના આ પોર્ટલમાં સુધારો-વધારો કરવા માટે તેની વેબસાઇટ ૧૩મી ઓગસ્ટની મધરાતથી ૩૧મી ઓગસ્ટની મધરાત સુધી પ્રમોટર્સ અને એજન્ટો માટે બંધ રહેશે.
મહારેરાની વેબસાઇટનો ઘણી રીતે ઉપયોગ થતો હોય છે જેમાં પ્રકલ્પોના રજિસ્ટ્રેશન, રિન્યૂઅલ અને રેક્ટિફિકેશન, એજન્ટના રજિસ્ટ્રેશન અને રિન્યૂઅલ અને ઘર ખરીદનારની ફરિયાદો વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: પાર્કિંગ વિશે માહિતી આપવી ડેવલપર માટે બંધનકર્તા: મહારેરાનો નવો આદેશ
૩૧મી ઓગસ્ટની મધરાતથી મહારેરાની વેબસાઇટ સંપૂર્ણ રીતે કાર્યરત થઇ જશે. નવી સિસ્ટમમાં દાખલ થતી વખતે ઘર ખરીદનારે વીસમીની મધરાતથી ૩૧મી ઓગસ્ટ સુધી પોતાની અરજીઓ વ્યક્તિગત રીતે ભરવાની રહેશે. ફરિયાદોની ઓનલાઇન સુનાવણીમાં કોઇ બાધા નહીં આવે. તેમ છતાં પ્રમોટર્સ અને એજન્ટોએ ૧૩મી ઓગસ્ટ સુધી પોતાના સંબંધિત કાર્ય પૂરી લેવા પડશે.
‘મહારેરાની વેબસાઇટનો ઉપયોગ દિવસે-દિવસે વધી રહ્યો છે ત્યારે તેમાં અમુક આધુનિક અને ઉપયોગી ફેરફાર કરવા જરૂરી છે. થોડા મહિનાઓ પહેલા ઓછામાં ઓછા ૫૦૦૦ લોકો વેબાસઇટની રોજ મુલાકાત લેતા હતા હવે આ સંખ્યા ૩૪,૦૦૦ સુધી પહોંચી છે અને દર કલાકે ૧,૪૦૦ લોકો વેબસાઇટની મુલાકાત લે છે. તેથી વેબાસઇટને વધુ સુવિધાઓ સાથે અપડેટ કરવાની ફરજ પડી છે’, એમ મહારેરાના ચેરમેન અજોય મહેતાએ જણાવ્યું હતું.