આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈમાં ભાજપનો હાથ ઉપર, જાણો શિંદે જૂથને કેટલી મળી સીટ

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે અને મહા વિકાસ આઘાડી તેમ જ મહાયુતિના નેતાઓ તેમના સાથી પક્ષો સાથે સીટોની વહેંચણીમાં લાગ્યા છે. હવે આ મુદ્દે મહત્વના સમાચાર જાણવા મળ્યા છે. હવે આખરે મહાયુતિમાં મુંબઈમાં બેઠકોની ફાળવણીનો વિવાદ ઉકેલાઈ ગયો છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે રાત્રે લગભગ 11 વાગે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ઘરે બેઠક કરી હતી. મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં અમિત શાહની હાજરીમાં બેઠકોની વહેંચણી અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં મહાયુતિની બેઠક ફાળવણીનો ગજગ્રાહ ઉકેલાયો હતો.

મહાયુતિએ તેમની બેઠક ફાળવણીની ફોર્મ્યુલા નક્કી કરી લીધી છે. એમ જાણવા મળ્યું છે કે મુંબઇમાં ભાજપ જ મોટો ભાઇ બનશે. ખાસ વાત તો એ છે કે મુંબઇમાં શિંદે જૂથ વધુ વિધાન સભ્યો નથી ધરાવતું. તેમ છતાં તેઓ વધુ બેઠકો મેળવવામાં સફળ રહ્યા છે અને અજિત દાદાના જૂથને મુંબઇમાં માત્ર ત્રણ સીટથી જ સંતોષ માનવો પડ્યો છે. મુંબઇમાં વિધાન સભાની કુલ 36 સીટોમાંથી ભાજપ 18 સીટો પર ચૂંટણી લડશે. જ્યારે શિંદે જૂથ 15 બેઠકો પર ચૂંટણી લડશે અને અજિત પવારના એનસીપીને ફાળે માત્ર ત્રણ જ સીટ આવી છે. અજિત પવાર જૂથની મુંબઇમાં ખાસ તાકાત નથી. તેથી તેમને મુંબઈના અણુશક્તિનગર, બાંદ્રા ઈસ્ટ અને શિવાજીનગર-માનખુર્દ સીટ ફાળવવામાં આવી છે.

નવાબ મલિક અણુશક્તિ નગર મતવિસ્તારના વિધાન સભ્ય છે જ્યારે બાબા સિદ્દીકીનો પુત્ર જીશાન બાબા સિદ્દીકી બાંદ્રા પૂર્વ મતવિસ્તારના વિધાનસભ્ય છે, જ્યારે શિવાજીનગર-માનખુર્દ મતવિસ્તારમાં સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમી વિધાનસભ્ય છે. આ ત્રણ મુસ્લિમ અને દલિત બહુમતી વિસ્તાર છે. અજિતદાદાની એનસીપીને અહીંથી વધુ મતો મળી શકે છે, એવી ગણતરીને ધ્યાનમાં લઇને આ ત્રણ બેઠક તેમને ફાળવવામાં આવી છે. દરમિયાન એવું પણ કહેવાઇ રહ્યું છે કે મહાગઠબંધન મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને પણ ધ્યાનમાં રાખી રહ્યું છે. આ જ કારણસર ભાજપ સૌથી વધુ બેઠકો તેમની પાસે જાળવી રાખવામાં સફળ થઇ છે.

લોકસભાની ચૂંટણીમાં જે વિધાનસભ્યોના મતદાર ક્ષેત્રમાંથી તેમને ઓછા મત મળ્યા છે તે વિધાનસભ્યોને પણ ઘરે બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ રામ કદમ, પરાગ શાહ, ભારતી લવકર, તમિલ સેલવાન અને સુનીલ રાણેનું પત્તુ કપાઇ ગયું છે. પરાગ શાહના સ્થાને પ્રકાશ મહેતા, ભારતી લવકરના સ્થાને સંજય પાંડે, તમિલ સેલવાનના સ્થાને રાજશ્રી શિરવાડકર અને સુનીલ રાણેના સ્થાને ગોપાલ શેટ્ટી ઉપરાંત બે પૂર્વ સાંસદોને ટિકિટ આપવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button