Assembly Elections: ભાજપ-RSSની જુગલબંદી ફરી જામશે? મુંબઈની બેઠકો લડાશે હિંદુત્વના મુદ્દે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભાજપનો દેખાવ નબળો રહ્યો અને એ પાછળનું એક કારણ આરએસએસ(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) દ્વારા ભાજપને સમર્થન ન મળ્યું હોવાની ચર્ચા પણ ખૂબ ચાલી હતી.
જોકે, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ફરીથી આરએસએસ સાથે પૂરી તાકાત સાથે મેદાનમાં ઊતરવા માટે તૈયાર હોય તેવું જણાય છે. હાલમાં જ ભાજપના નેતાઓ અને આરએસએસના આગેવાનોની બેઠક મુંબઈમાં લોઅર પરેલ ખાતે યોજાઇ હતી અને તેમાં ચૂંટણીને લઇને રણનીતિ ઘડવામાં આવી હોવાનું કહેવાય છે.
ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે અને એ માટે પૂર્વતૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ભાજપે પણ લોકસભાની ચૂંટણીની ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની ખાતરી કરી છે અને એ માટે આરએસએસ સાથે કદમ મિલાવીને વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી છે.
ખાસ કરીને મુંબઈમાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત થાય તેના પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવનાર હોઇ બેઠકમાં મુંબઈની 36 બેઠકો વિશે ચર્ચા થઇ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે 1 ઓક્ટોબરે નહિ થાય મતદાન, ચૂંટણી પંચે તારીખોમાં કર્યો ફેરફાર
ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીમાં આરએસએસ ઉપરાંત સમાન વિચારધારા ધરાવનારા અન્ય સંગઠનો પણ ભાજપની વ્હારે આવશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી હતી.
સંઘના સ્વયંસેવકોએ કસી કમર
ભાજપના મુંબઈ ખાતેના વિધાનસભ્યો, પદાધિકારીઓની હાજરીમાં આરએસએસના આગેવાનો સાથે યોજાયેલી બેઠકમાં મુંબઈની 36 વિધાનસભા બેઠકો પર હિંદુત્વના મુદ્દે ચૂંટણી લડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાણકારી મળી હતી. આ માટે સંઘના સ્વયંસેવકો બૂથ લેવલથી સક્રિય થશે અને ભાજપને પૂરતી મદદ પૂરી પાડશે. ચૂંટણી માટે સંઘના કાર્યકર્તાઓએ કમર કસી લીધી હોવાનું આ બેઠક બાદ જણાઇ રહ્યું છે.
લોકસભાના પરિણામોથી બોધપાઠ
લોકસભાની ચૂંટણી દરમિયાન વિવિધ કારણોસર આરએસએસ ભાજપથી નારાજ હોવાની ચર્ચા થઇ હતી. અજિત પવારના મહાયુતિમાં આગમન તેમ જ ભાજપ તરફથી પ્રતિસાદ ન મળ્યા ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આપેલા અમુક નિવેદનોને પગલે આરએસએસ દ્વારા ચૂંટણીમાં ભાજપની મદદ ન કરાઇ હોવાનું કહેવાતું હતું. જોકે, વિધાનસભાની ચૂંટણીમાં પૂર્વે થયેલી ભૂલો ન થાય તેની ખાતરી કરવામાં આવી રહી હોવાનું જણાય છે.
ભગવા સાથીઓનો મળશે સાથ
હિંદુત્વના મુદ્દે ચૂંટણી લડવાની હોઇ આરએસએસ ઉપરાંત ભાજપને આ વિધાનસભાની ચૂંટણીમાં હિંદુત્વવાદી સંગઠનોનો સાથ મળી રહેશે તેવું કહેવાય છે. આરએસએસની સાથે સાથે વિશ્ર્વ હિંદુ પરિષદ, વનવાસી કલ્યાણ આશ્રમ જેવા સંગઠનો પણ ચૂંટણીમાં ભાજપની વ્હારે આવશે તેવી માહિતી મળે છે. આ બધા જ સંગઠનો મહાયુતિના ઉમેદવારોને જીતાડવા માટે પ્રયત્નો કરશે, તેવી જાણકારી મળી છે.