એસટી બસની હડતાળને મિશ્ર પ્રતિસાદ, તહેવાર ટાણે લોકો અટવાયા

મુંબઈઃ પોતાની વિવિધ માગણીઓ સાથે એસ ટી બસ ડ્રાયવર અને બસ કન્ડક્ટરોએ રાજયભરમાં હડતાળ જાહેર કરી છે. મહારાષ્ટ્રમાં ખૂબ ધામધૂમથી ઉજવાતા ગણેશોત્સવના તહેવાર પહેલા જ થયેલી હડતાળને લીધે અમુક પ્રાંતના પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. જોકે હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.
આ અંગે મળેલી માહિતી અનુસાર મુંબઈ ડિવિઝનના તમામ અગરોમાં ટ્રાફિક સુચારૂ રીતે ચાલી રહ્યો છે. જોકે, થાણે ડિવિઝનમાં કલ્યાણ, વિઠ્ઠલવાડી બસ ડેપો સંપૂર્ણપણે બંધ છે. વિદર્ભના તમામ રૂટ્સ પર બસની અવરજવર ચાલુ છે બંધની બહુ અસર નથી. જોકે, મરાઠવાડાના લાતુર અને નાંદેડ ડિવિઝનમાં મોટાભાગની બસ બંધ છે.
પશ્ચિમ મહારાષ્ટ્રમાં કોલ્હાપુર અને સોલાપુર ડિવિઝનમાં ટ્રાફિક સુચારૂ રીતે ચાલી રહ્યો છે. પૂણે જિલ્લાના શિવાજીનગર, વલ્લભનગર, ભોર, સાસવડ, બારામતી, તાલેગાંવના અગર સંપૂર્ણપણે બંધ છે. સાંગલી જિલ્લામાં મિરજ, જાટ, પલુસ સંપૂર્ણ બંધ છે. તેમજ સતારા જિલ્લાના કરાડ, વડુજ, મહાબળેશ્વરની બસો સંપૂર્ણ બંધ છે.
ખાનદેશમાં નાસિક, પિંપલગાંવ, નાસિક જિલ્લામાં પેઠના રૂટ્સ પરની બસો અને જલગાંવ જિલ્લામાં ભુસાવલ, ચાલીસગાંવ બસ ડેપો સંપૂર્ણ રીતે બંધ છે. અન્ય સ્થળોએ વાહનવ્યવહાર સુચારૂ રીતે ચાલી રહ્યો છે.