મુંબઈ-ગોવા નેશનલ હાઈવે પર બે બસોનો ભીષણ અકસ્માત, 25 મુસાફરો ઘાયલ

મુંબઇઃ મુંબઈ ગોવા નેશનલ હાઇવે પર એક ગંભીર અકસ્માતની માહિતી પ્રાપ્ત થઈ છે, જેમાં બે એસટી બસો સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં 25 મુસાફરો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. આ ઘટના રાતે 12:00 વાગ્યાની આસપાસ બની હતી. આ અકસ્માત મુંબઈ ગોવા હાઈવે પર નાગોઠને પાસે થયો હતો. ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ રાત્રે ગણેશ ભક્તો કોંકણ તરફ જવા રવાના થયા હતા. આ માટે મુંબઈથી કોંકણ તરફ 1500થી વધુ એસટી બસો છોડવામાં આવી હતી. આ ઉપરાંત કોંકણ જવા માટે હજારો ખાનગી વાહનો પણ નીકળ્યા હતા, જેના કારણે હાઈવે પર વાહનોની સંખ્યા અચાનક વધી ગઈ હતી અને હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. કોંકણ જતા બંને માર્ગો પર વાહનોની કતારો લાગી હતી, જેના કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો. સાતથી આઠ કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી.
મહારાષ્ટ્રમાં આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ માટે મુંબઈથી મોટી સંખ્યામાં ભક્તો કોંકણ જઈ રહ્યા છે. આ વર્ષે ગણેશ ભક્તોની યાત્રા સુખદ રહે તેવી અપેક્ષા હતી, પરંતુ આ વર્ષે પણ મુસાફરોને હાઇવે પર ટ્રાફિકજામનો અનુભવ થયો છે.હાઇવેનું કામ ગૌકળગતિએ ચાલી રહ્યું છે. રસ્તા પર ઘણા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે લોકોને ભારે અગવડ પડી રહી છે. ખુદ જાહેર બાંધકામંત્રીએ જણાવ્યું છે કે હાઈવેનું કામ પૂરું થતાં બે વર્ષ લાગશે તેથી લોકોને હજી બે વર્ષ સુધી ટ્રાફિક જામને સમસ્યાનો સામનો કરવો પડશે.