મહારાષ્ટ્ર સામાજિક ન્યાય વિભાગે ભંડોળ વધારવા અને પહોંચ વધારવા માટે યોજનાઓની સમીક્ષા કરી…

મુંબઈ: મહારાષ્ટ્રના સામાજિક ન્યાય વિભાગે ગુરુવારે જણાવ્યું હતું કે, લાભાર્થીઓને વધુ સારી રીતે સેવા આપી શકાય તે માટે તેમની હાલની કલ્યાણકારી યોજનાઓ અને શિષ્યવૃત્તિઓની સમીક્ષા શરૂ કરી છે. કેટલીક વર્તમાન યોજનાઓ જૂની થઈ ગઈ છે અથવા નાણાકીય રીતે અપૂરતી બની ગઈ છે, જેના કારણે દરેક યોજનાનું મૂલ્યાંકન કરવા માટે વિગતવાર બેઠકોની જરૂર પડી છે, એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
‘અમારી ઘણી યોજનાઓ જેમાં શિષ્યવૃત્તિનો સમાવેશ થાય છે એવી સહાય આપે છે જે આજના સંદર્ભમાં હવે અર્થપૂર્ણ નથી,’ એવી માહિતી અધિકારીએ આપી હતી. દાખલા તરીકે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ ફક્ત 150 રૂપિયા (મહિને) આપે છે. તે રકમ ભાગ્યે જ કોઈ વાસ્તવિક શૈક્ષણિક ખર્ચને આવરી શકે છે. અમે આવી ફાળવણીમાં વધારો કરવા પર કામ કરી રહ્યા છીએ જેથી વિદ્યાર્થીઓ ખરેખર લાભ મેળવી શકે,’ એમ અધિકારીએ જણાવ્યું હતું.
સમીક્ષા શિષ્યવૃત્તિથી આગળ વધે છે. સહકારી ઔદ્યોગિક એકમો, ટ્રેક્ટર વિતરણ, ઉદ્યોગસાહસિકતા પ્રોત્સાહન અને વિભાગ હેઠળના વિવિધ વિકાસ નિગમોને લગતી યોજનાઓનું પણ પુનર્મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે જેથી તેમની સુસંગતતા અને અસરકારકતા સતત જળવાઈ રહે, એમ અધિકારીએ માહિતી આપી હતી. આ વિસ્તરણના નાણાકીય પરિણામો વિશે પૂછવામાં આવતા, અધિકારીએ જણાવ્યું હતું કે, ‘2025-26 માટેનું અમારું બજેટ નોંધપાત્ર રીતે વધ્યું છે – ગયા વર્ષના 15,893 કરોડ રૂપિયા સામે હવે 22,658 કરોડ રૂપિયા મળશે. 6,765 કરોડ રૂપિયાનો આ વધારો અમને વધુ લાભાર્થીઓને ટેકો આપવા અને મુખ્ય યોજનાઓ હેઠળ આપવામાં આવતી નાણાકીય સહાયમાં સુધારો કરવાની મંજૂરી આપે છે.’
રાજ્યમાં અન્ય કેટલીક યોજનાઓની જેમ વિભાગ આવક ઉત્પન્ન કરી શકે છે કે કેમ તે અંગે અધિકારીએ કહ્યું હતું કે, ‘સામાજિક ન્યાય વિભાગ એક કલ્યાણલક્ષી સંસ્થા છે. અમારી પાસે આવક ઉત્પન્ન કરતી પદ્ધતિઓ નથી, અને ન તો તેની અપેક્ષા રાખવી જોઈએ. અમારી ભૂમિકા વંચિતોની સેવા કરવાની છે.’ અધિકારીએ એમ પણ કહ્યું કે વધેલા બજેટનો મોટો હિસ્સો 6,765 કરોડ રૂપિયામાંથી લગભગ 3,960 કરોડ રૂપિયા ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ને ટેકો આપવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગને ટ્રાન્સફર કરવામાં આવશે.
‘આ નાણાં ખાસ કરીને યોજનાની અનુસૂચિત જાતિની મહિલા લાભાર્થીઓ માટે છે, પરંતુ તેનું વિતરણ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવે છે. પાત્ર મહિલાઓને તેમની માસિક 1,500 રૂપિયાની સહાય મળે તે સુનિશ્ર્ચિત કરવાનો આ અમારો રસ્તો કાઢવામાં આવ્યો છે,’ એમ અધિકારીએ સમજાવ્યું હતું.
આપણ વાંચો : મહારાષ્ટ્ર સરકાર મેનહોલ સફાઈ માટે 100 રોબોટ ખરીદશે