આમચી મુંબઈ

દુકાનોના નામના પાટિયા મરાઠીમાં નહીં હોય તો ભરવો પડશે બમણો પ્રોપર્ટી ટેક્સ

ચૂંટણી પહેલા શહેરનું વાતાવરણ ગરમ થવાની શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગામી લોકસભાની ચૂંટણી પહેલા મુંબઈમાં ફરી એક વખત વાતાવરણ ગરમ થવાની શક્યતા છે. દુકાનો, એસ્ટાબ્લિશમેન્ટ પર મરાઠી ભાષામાં દેવનાગરી લિપીમાં નામનું બોર્ડ નહીં લગાડનારાઓને પહેલી મે, ૨૦૨૪થી બમણો પ્રોપર્ટી ટેક્સ ભરવો પડશે એવી જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાએ કરી છે. એટલું જ નહીં પણ મરાઠી ભાષામાં ગ્લો સાઈન બોર્ડ નહીં હોય તો દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટના લાઈસન્સ પણ રદ થશે અને તેમને લાઈસન્સ માટે નવેસરથી નોંધણી કરવી પડવાની છે.


સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મુંબઈ મહાનગરપાલિકાની હદમાં આવતી દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટ પર મરાઠી ભાષામાં દેવનાગરી લિપીમાં મોટા અક્ષરમાં નામના બોર્ડ લગાડવા ફરજિયાત છે. છતાં મરાઠીમાં નામના બોર્ડ લગાડવાનું ટાળનારા સામે હવે આકરી કાર્યવાહી કરવાનો નિર્દેશ પાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણીએ સોમવાર, આઠ એપ્રિલના આપ્યો હતો. મરાઠીમાં નામના બોર્ડ નહીં લખનારા દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટને પહેલી મે, ૨૦૨૪થી બમણો પ્રોપર્ટી ટેક્સ ભરવો પડવાનો છે. તેમ જ ગ્લો લાઈન બોર્ડના લાઈસન્સ પણ તાત્કાલિક રદ કરવામાં આવશે અને નવા લાઈસન્સ લેવા માટે નવેસરથી અરજી કરવી પડશે.


સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજી મુજબ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટને નામના બોર્ડ મરાઠી દેવનાગરી લિપીમાં લખવા માટે બે મહિનાની મુદત આપવામાં આવી હતી. આ મુદત શુક્રવારે, ૨૫ નવેમ્બર, ૨૦૨૩ના પૂરી થઈ ગઈ હતી. ત્યારબાદ પાલિકાના શોપ એન્ડ એસ્ટબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટે મંગળવાર, ૨૮ નવેમ્બર, ૨૦૨૩થી વોર્ડ સ્તરે દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટની તપાસ કરવાનું ચાલુ કર્યું હતું, જેમાં ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધીમાં કુલ ૮૭,૦૪૭ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટની તપાસ કરી હતી. તેમાંથી લગભગ ૮૪,૦૦૭ એટલે કે ૯૬.૫૦ ટકા દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટે મરાઠી દેવનાગરી લિપીમાં નામના બોર્ડ લખેલા જણાઈ આવ્યા હતા. તો મરાઠીમાં નામના બોર્ડ નહીં લગાડવા બદલ અત્યાર સુધી ૩,૦૪૦ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટ સામે કાયદેસર નોટિસ આપવામાં આવી છે.


કોર્ટમાં કુલ ૧,૯૨૮ પ્રકરણ પહોંચ્યા હતા, ત્યાં કુલ ૧૭૭ પ્રકરણની સુનાણી થઈને કોર્ટે ૧૩ લાખ ૯૪ હજાર રૂપિયાનો દંડ સંબંધિત દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટને ફટકાર્યો હતો તો ૧,૭૫૧ પ્રકરણની સુનાવણી ચાલી રહી છે. તો પાલિકામાં સુનાવણી માટે આવેલા ૯૧૬ પ્રકરણમાંથી ૩૪૩ પ્રકરણનો નિકાલ આવ્યો છે અને તેમાંથી ૩૨ લાખ રૂપિયા દંડ વસૂલ કર્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button