મહારાષ્ટ્રમાં માર્ગ અકસ્માતોમાં સતત છઠ્ઠા વર્ષે વધારો: ૨૦૨૫ના ચિંતાજનક આંકડા

મુંબઈ: મહારાષ્ટ્રમાં સતત છઠ્ઠા વર્ષે માર્ગ અકસ્માતો અને તેમાં થતી ગંભીર ઈજાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. જોકે સારી વાત એ છે કે મૃત્યુઆંકમાં નજીવો ઘટાડો થયો છે, એમ અધિકારીઓએ પરિવહન વિભાગના ૨૦૨૫ના કામચલાઉ અકસ્માત ડેટાના આંકડા ટાંકીને જણાવ્યું હતું.
અહેવાલ મુજબ, રાજ્યમાં ૨૦૨૫ માં કડક અમલીકરણ છતાં ૩૬,૪૫૦ માર્ગ અકસ્માતો નોંધાયા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિઓની સંખ્યામાં વર્ષ દરમિયાન ૮ ટકાનો વધારો થયો છે, જે સતત છઠ્ઠા વર્ષે થયેલો વાર્ષિક વધારો દર્શાવે છે.
સત્તાવાર માહિતી મુજબ, રાજ્યમાં ૨૦૨૦ માં ૨૪,૯૭૧ અકસ્માતો નોંધાયા હતા, જે ૨૦૨૧માં વધીને ૨૯,૪૭૭, ૨૦૨૨ માં ૩૩,૩૮૩, ૨૦૨૩ માં ૩૫,૨૪૩ અને ૨૦૨૪ માં ૩૬,૧૧૦ થયા હતા. ૨૦૨૦માં કોવિડની પહેલી લહેર દરમિયાન અકસ્માતમાં ઘટાડો જોવા મળ્યા પછી, ગયા વર્ષે ૩૨,૯૨૫ અકસ્માત થયા હતા, ત્યાર બાદ દર વર્ષે આ સંખ્યામાં સતત વધારો થયો છે, એમ અહેવાલમાં જણાવાયું હતું.
આપણ વાચો: ગાઢ ધુમ્મસને કારણે હરિયાણામાં અકસ્માતોની વણઝાર: બસ, ટ્રક અને કાર અથડાયા, અનેક મુસાફરો ઘાયલ
મહારાષ્ટ્ર ૨૦૨૧ પછી પહેલી વાર મૃત્યુઆંકમાં થોડો ઘટાડો કરવામાં સફળ રહ્યું. ૨૦૨૫માં, મહારાષ્ટ્રમાં જીવલેણ અકસ્માતોમાં ૧૫,૫૪૯ લોકોના, જ્યારે ૨૦૨૪માં જીવલેણ અકસ્માતોમાં ૧૫,૭૧૫ લોકોના મોત થયા હતા.
કામચલાઉ ડેટા મુજબ, ૨૦૨૦થી માર્ગ અકસ્માતોમાં એકંદરે વધારો થયો છે, જ્યારે ૧૧,૫૬૯ લોકોએ અકસ્માતોમાં જીવ ગુમાવ્યા હતા. ૨૦૨૧માં ૧૩,૫૨૮, ૨૦૨૨માં ૧૫,૨૨૪, ૨૦૨૩માં ૧૫,૩૬૬ અને ૨૦૨૪માં ૧૫,૭૧૫ સુધી આંકડો પહોંચ્યો હતો, તેમ અહેવાલ દર્શાવે છે.
આપણ વાચો: મુંબઈની લોકલ ટ્રેનોમાં લાગશે ‘ઓટોમેટિક ક્લોઝ ડોર’: રેલવે અકસ્માતો ઘટાડવા નવતર પ્રયોગ હાથ ધરાયો
૨૨ જાન્યુઆરીના જારી કરાયેલા એક પ્રકાશનમાં, મહારાષ્ટ્રના અધિક પરિવહન કમિશનર ભરત કલાસકરે દાવો કર્યો હતો કે રાજ્ય સરકારે ૨૦૩૦ સુધીમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ૫૦ ટકા ઘટાડો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ ધ્યેય હાંસલ કરવા માટે રાજ્ય અને જિલ્લા સ્તરે માર્ગ સલામતી કોષોની રચના સહિત વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
પુણે સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડ્રાઇવિંગ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સોસાયટીના પ્રિન્સિપાલ સંજય સાસણેએ જણાવ્યું હતું કે રાજ્યમાં વધતા માર્ગ અકસ્માતો માટે ડ્રાઇવર તાલીમનો અભાવ એક કારણ છે, ઉપરાંત અન્ય ઘણા કારણો પણ છે.



