મહારાષ્ટ્રમાં Reservationનું કોકડું ગૂંચવાશેઃ લક્ષ્મણ હાકે જરાંગેની માંગણીઓ મુદ્દે આક્રમક
મુંબઈઃ વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે મહારાષ્ટ્રમાં અનામત મુદ્દે સંકટ ઊભું થઈ શકે છે. મરાઠા આરક્ષણનો ચહેરો ગણાતા મનોજ જરાંગેએ તાજેતરમાં એવી ટિપ્પણી કરી હતી કે જેમની નોંધણી નથી થઇ તેમને ઓબીસી અનામત આપવામાં આવી છે.
કાયદાને બાજુમાં રાખીને ૧૬ ટકા અનામત આપવામાં આવી છે તેવો ગંભીર આક્ષેપ જરાંગેએ કર્યા બાદ ઓબીસીના અધિકાર માટે લડતા લક્ષ્મણ હાકે પણ ખૂબ જ આક્રમક બની ગયા છે. એટલું જ નહીં, મનોજ જરાંગે ઓબીસીમાંથી જ મુસ્લિમ સમુદાય માટે અનામતની માંગણી કરી છે, તેનો પણ લક્ષ્મણ હાકેએ જવાબ આપ્યો છે. તેમણે જાલના ખાતે પત્રકારો સાથે વાતચીત કરી હતી.
મહારાષ્ટ્રમાં ઓબીસી અનામતનો નાશ કરવાનો ઘાટ ઘડાયો છે. કુણબી શ્રેણી એક અલગ શ્રેણી છે. ખાનદેશી કુણબી, કાલે કુણબી, વર્હાડે કુણબી, કોંકણી કુણબી, દલેરી કુણબી, ખૈરે કુણબી, ઘાટોલી કુણબી, ખેડુલે કુણબી એ વાસ્તવિક કુણબી છે. આ કુણબીઓ મરાઠા સમુદાયથી અલગ છે. તેમના દેવો, તેમના રિવાજો અલગ છે. તેમના સાગા-સંબંધી અને રહેવાની સ્થિતિ બંને અલગ છે.
લક્ષ્મણ હાકેએ કહ્યું કે કુણબી શબ્દને લઈને જે વાતો ચાલી રહી છે તે ખોટી છે. મનોજ જરાંગેને ઓબીસી, મંડલ કમિશન શું છે, મંડલ કમિશન ક્યારે લાગુ કર્યું? પહેલા કેટલી સીટો હતી? આ અંગે કોઈ માહિતી નથી. મનોજ જરાંગે કંઈ પણ વાત કરે છે. બંધારણીય સત્તાનો અભ્યાસ ધરાવતું રાજ્ય પછાત વર્ગ આયોગ અભ્યાસ કરીને તેમાં જાતિનો સમાવેશ કરે છે.
પછાત વર્ગને તે અધિકાર છે. મરાઠા સમાજના યુવાનોને મારી વિનંતી છે કે જો તમારે પ્રગતિ કરવી હોય, સારું જીવન જીવવું હોય તો અનામત એકમાત્ર વિકલ્પ નથી. મુસ્લિમ સમાજને એક ધર્મ તરીકે જોવામાં આવે છે. તેમની પાસે કોઈ સામાજિક સ્તર નથી.
આ પણ વાંચો : મનોજ જરાંગેએ બેમુદત ઉપવાસ ફરી શરૂ કર્યા
છગન ભુજબળની ટીકા કરીને મામલો ગૂંચવવાનો પ્રયાસ કરશો નહીં, તેમ લક્ષ્મણ હાકેએ કહ્યું હતું. હું સરકાર માટે દિલગીર છું. સરકાર જરાંગેને મહત્વ આપી રહી છે. “‘ઓબીસીને એમજ અનામતમાં સમાવી લેવામાં આવ્યા, તેમના માટે કોઈ સર્વે કરવામાં આવ્યો ન હતો, તેઓને ખેરાત આપવામાં આવી, તેમને કઈ જરૂર હતી?’ મહારાષ્ટ્રમાં કોઈપણ નેતાએ આવા નિવેદનો ન કરવા જોઈએ,” એવી લક્ષ્મણ હાકેએ અપીલ કરી.
અનામત કંઈ ખેરાત વહેંચવાનો કાર્યક્રમ નથી, આર્થિક ઉત્થાનનો કોઈ કાર્યક્રમ નથી. એમ કહીને લક્ષ્મણ હાકેએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે હવે દસ ટકા અનામતનો સર્વે ૧૦૦ ટકા બોગસ છે. તેમણે ઉમેર્યું હતું કે આ દેશમાં કાયદાનું રાજ ચાલશે, બાબાસાહેબના સંવિધાનનું રાજ ચાલશે, બીજું કોઈ નહીં.