સોસાયટી રજિસ્ટ્રાર પાસે રિડેવલપમેન્ટ રોકવાનો કોઈ અધિકાર નહીં

સોસાયટીની કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલા ચુકાદાને રોકવાનો કે એનઓસી આપવા/નકારવાનો અધિકાર ન હોવાનો સરકારનો આદેશ
વિપુલ વૈદ્ય
મુંબઈ: મહારાષ્ટ્રમાં સોસાયટી રિડેવલપમેન્ટ સંબંધી એક મોટા નિર્ણયમાં રાજ્ય સરકારે એવો આદેશ આપ્યો છે કે સોસાયટી રિડેવલપમેન્ટ રોકવાનો કે પછી સોસાયટીને એનઓસી આપવાનો સોસાયટી રજિસ્ટ્રારને કોઈ અધિકાર નથી.
રાજ્યના કો-ઓપરેટિવ કમિશનર એન્ડ રજિસ્ટ્રાર, પુણે દ્વારા મંગળવારે બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈ હાઈ કોર્ટ દ્વારા 17 ઑક્ટોબર, 2025ના રોજ આપવામાં આવેલા આદેશમાં એવું કહેવામાં આવ્યું છે કે સોસાયટી રિડેવલપમેન્ટમાં રજિસ્ટ્રારની ભૂમિકા ફક્ત નિગરાણી રાખવા પૂરતી મર્યાદિત છે. રિડેવલપમેન્ટમાં રજિસ્ટ્રારના એનઓસી બાબતની કોઈ જોગવાઈ નથી. રજિસ્ટ્રારને સંસ્થાના રિડેવલપમેન્ટને મંજૂરી આપવા કે નકારવાનો કોઈ અધિકાર નથી.
આ બાબતનો ઉલ્લેખ કરીને રાજ્યના બધા જ રજિસ્ટ્રારને માટે બહાર પાડવામાં આવેલા સરક્યુલરમાં છ મુદ્દાઓનું પાલન કરવાનો આદેશ આપતાં સોસાયટી રિડેવલપમેન્ટ માટેની પ્રક્રિયાઓ પારદર્શક રીતે પાર પડે તે માટે સોસાયટીને સહકાર કરવાની અગાઉની ચાર કલમોને અકબંધ રાખતાં બીજી બે કલમો ઉમેરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સોસાયટીની જનરલ બોડી મિટીંગમાં લેવામાં આવેલા નિર્ણય પર રજિસ્ટ્રારને ફેરવિચાર/ફેરફાર કરવાનો અથવા તો વીટો વાપરીને નકારાત્મક અધિકારનો ઉપયોગ કરવાની સત્તા નથી.
રાજ્યના રજિસ્ટ્રારે કો-ઓપરેટિવ સંસ્થાના રિડેવલપમેન્ટ માટે એનઓસી બાબતે કોઈ પ્રસ્તાવ કે અરજી મગાવવી નહીં, સ્વીકારવી નહીં અથવા તેના પર કોઈ કાર્યવાહી કરવી નહીં. આવી જ રીતે રિડેવલપમેન્ટ માટે કોઈપણ સંસ્થા અથવા વ્યક્તિને એનઓસી આપવી નહીં.
રાજ્ય સરકારના આ નિર્ણયને પગલે મુંબઈ અને અન્ય શહેરોમાં રિડેવલપમેન્ટ આડેના ઘણા અવરોધો દૂર થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.



