Maharashtra ના અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ, મુંબઈમાં ભારે વરસાદ, હાઇ- ટાઇડની ચેતવણી
મુંબઈ: મહારાષ્ટ્રના(Maharashtra) અનેક જિલ્લાઓમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે માર્ગો પર પણ પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દરમિયાન નાગપુરમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે પણ બે દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નાગપુર સહિત વિદર્ભના અન્ય ઘણા જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઢચિરોલી, યવતમાલ, વર્ધા, ચંદ્રપુર, અમરાવતી, ભંડારા અને ગોંદિયા સહિત ઘણા વિસ્તારોમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે નાગપુરના જિલ્લા મેજિસ્ટ્રેટે આજે એડવાઈઝરી જાહેર કરી છે અને શનિવારે શાળાઓમાં રજા જાહેર કરી છે.
મુંબઈમાં સવારથી ભારે વરસાદ અંધેરી સબવેને બંધ કરી દેવાયો
મુંબઈની વાત કરીએ તો અહીં પણ શનિવારે સવારે ભારે વરસાદ પડ્યો હતો. મુંબઈના ઘણા વિસ્તારોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે અંધેરી સબવે ધીમે ધીમે પાણીથી ભરાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સાવચેતીના ભાગરૂપે અંધેરી સબવેને બંધ કરી દેવામાં આવ્યો છે. હવામાન વિભાગે આજે મુંબઈમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
| Also Read: વરસાદે ફરી નોકરિયાતોને હેરાન કર્યા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. 19 જુલાઈના રોજ સવારે 8 વાગ્યાથી 20 જુલાઈના રોજ સવારે 8 વાગ્યા સુધીના 24 કલાકમાં મુંબઈ શહેરમાં સરેરાશ 91 મિમી વરસાદ નોંધાયો હતો. પૂર્વ ઉપનગરોમાં 87 મીમી વરસાદ નોંધાયો છે જ્યારે પશ્ચિમ ઉપનગરોમાં 93 મીમી વરસાદ નોંધાયો છે.
હાઇ ટાઇડ એલર્ટ પણ
આ ઉપરાંત મુંબઈમાં પણ હાઈ ટાઈડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સવારે 11:28 વાગ્યે 4.24 મીટરની ઊંચી ભરતીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય 23:18 વાગ્યે 3.66 મીટરની ઊંચી ભરતી આવી શકે છે. લૉ ટાઈડની વાત કરીએ તો 17:33 કલાકે 2.02 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે, જ્યારે આવતીકાલે સવારે 05:14 કલાકે 0.50 મીટરના મોજા ઉછળવાની શક્યતા છે.