વરસાદે ફરી નોકરિયાતોને હેરાન કર્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વરસાદે શુક્રવારે સવારથી ફરી જોર દાખવતાં વાહનવ્યવહારને અસર થઈ હતી, જેને કારણે નાકરિયાત વર્ગે હેરાનગતિ સહન કરવી પડી હતી. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ મુંબઈમાં વધુ વરસાદની નોંધ થઈ હતી તો આગામી બે દિવસ થાણે, રાયગઢ સહિતના અમુક જિલ્લાઓ માટે વેધશાળાએ ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું હતું.
થોડા દિવસ પોરો ખાધા પછી ગુરુવારથી ફરી વરસાદે તેનું સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું હતું. શુક્રવાર સવારથી જ દક્ષિણ મુંબઈમાં જોરદાર વરસાદ શરૂ થયો હતો. કોલાબામાં સવારે 8.30 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા દરમિયાન સૌથી વધુ 65.8 મિલીમીટર વરસાદની નોંધ થઈ હતી. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ મુંબઈમાં 114.7 મિમી વરસાદ પડ્યો હોવાનું પાલિકાનું કહેવું છે.
વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અનેક ઠેકાણે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રેનોને પણ વરસાદની અસર થતાં નોકરી પર જનારા લોકોએ હાલાકી ભોગવવી પડી હતી.
આ પણ વાંચો : વેણુગોપાલ અને ચેન્નીથલાએ મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી
રેલવેના અધિકારીના જણાવ્યા મુજબ સવારે ભીડના સમયે ટ્રેનો 15થી 20 મિનિટ મોડી દોડી રહી હતી. હાર્બર લાઈનમાં ચુનાભટ્ટી સ્ટેશન નજીક પાટા પર પાણી ભરાયાં હતાં. ભારે વરસાદ અને હાઈ ટાઈડને કારણે પાણી ભરાયાં હોવાનું કહેવાય છે.
સેન્ટ્રલ રેલવેની મેઈન લાઈનની સેવાને એક ટ્રેનના એન્જિનમાં ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે પણ અસર થઈ હોવાનું રેલવેનું કહેવું છે.
વરસાદને કારણે શહેરમાં 13 સ્થળે શોર્ટ સર્કિટની ઘટના બની હતી તો દીવાલ તૂટી પડવાની પાંચ ઘટનાઓ નોંધાઈ હતી. શહેરમાં પાંચ, પૂર્વ ઉપનગરોમાં પાંચ અને પશ્ર્ચિમ ઉપનગરોમાં આઠ સ્થળે ઝાડ અને ડાળીઓ તૂટી પડવાની ઘટના નોંધાઈ હતી.
શનિવારે થાણે-રાયગડ સહિત સિંધુદુર્ગ, સાતારા ઘાટ વિસ્તાર, નાંદેડ, અમરાવતી, વર્ધા, નાગપુર અને ગઢચિરોલીમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી હોવાથી ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રત્નાગિરિ, ચંદ્રપુરના અમુક વિસ્તારોમાં 24 કલાકમાં 116થી 204 મિલીમીટર વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ મરાઠવાડાના મોટા ભાગના વિસ્તારો તેમ જ મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભના અમુક જિલ્લાઓમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.