…તો આ દિવસોમાં મહારાષ્ટ્રમાં પડશે વરસાદઃ હવામાન વિભાગ

મુંબઈ/નાગપુરઃ ગયા વર્ષે આખું વર્ષ વરસાદ વરસ્યો હતો, જ્યારે આ વર્ષે એકંદરે દેશમાં મજબૂત વરસાદ પડ્યો હોવા છતાં હાલમાં હવાની નબળી ગુણવત્તા મુદ્દે સરકારની મુશ્કેલી વધી છે. એની વચ્ચે તાજેતરમાં હવામાન વિભાગે ચોંકાવનારા સમાચાર આપ્યા છે કે ઠંડીમાં વધારા સાથે દિવાળીના દિવસોમાં વરસાદ પડવાની ચેતવણી આપી છે.
મહારાષ્ટ્ર અને દેશભરમાં ઠંડીનું પ્રમાણ વધવાની શરૂઆત થઈ ગઈ છે. દિવસે ગરમી અને રાતના વાતાવરણમાં ઠંડી સાથે બપોરે વાતાવરણમાં ગરમી જોવા મળી રહી છે. જોકે, ભારતીય હવામાન વિભાગે કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં આગામી થોડાક દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દિવાળી પહેલા બદલાતા હવામાનને લીધે રાજ્ય સહિત દેશમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના અંદાજ મુજબ રાજ્યના સિંધુદુર્ગ, કોલ્હાપુર અને સાંગલી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેમ જ કેરળના મલપ્પુરમ, ઇડુક્કી અને પથાનમથિટ્ટા જિલ્લામાં 6 નવેમ્બરે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા નાગરિકોને સાવચે રહેવાની અપીલ કરી છે.
દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે આપેલા અંદાજ મુજબ, દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં 5 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી ભારે વરસાદ ચાલુ રહેશે, એવું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.