મહારાષ્ટ્રના ત્રીજા તબક્કાના મતદાનમાં 208 ઉમેદવાર વચ્ચે જંગ
રાયગઢ, બારામતી, ઉસ્માનાબાદ, લાતુર, સોલાપુર, માઢા અને સાંગલી બેઠકનો સમાવેશ
મુંબઈ: લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલના રોજ યોજવામાં આવ્યું અને હવે 7મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે, જેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન જનતા મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ માટે પોતાનો ફેંસલો મતદાન કરીને નક્કી કરશે.
ત્રીજા તબક્કામાં મહારાષ્ટ્રની 11 બેઠક પર મતદાન યોજવામાં આવશે. મહારાષ્ટ્રમાં ચૂંટણીના મેદાનમાં હજી પણ 258 ઉમેદવાર છે જેમનું ભાવિ બાકી રહેલા તબક્કાઓના મતદાનમાં નક્કી થશે. જોકે, ત્રીજા તબક્કાની ચૂંટણી પર સૌની નજર છે, કારણ કે સૌથી વધુ રસપ્રદ મુકાબલો બારામતીમાં પવાર કુટુંબ વિરુદ્ધ પવાર કુટુંબનો જામવાનો છે.
બારામતી ખાતે શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પત્ની સુનેત્રા પવાર વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. આ ઉપરાંત કેન્દ્રિય પ્રધાન નારાયણ રાણે, પ્રણિતી શિંદે જેવા મોટા કદના નેતાઓ પર ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન એકબીજા સામે ટકરાશે. ત્રીજા તબક્કામાં મહારાષ્ટ્રમાં રાયગઢ, બારામતી, ઉસ્માનાબાદ, લાતુર, સોલાપુર, માઢા, સાંગલી, સાતારા, રત્નાગિરી-સિંધુદુર્ગ, કોલ્હાપુર અને હાતકળંગલે આ બેઠકો માટે મતદાન યોજવામાં આવશે.
બારામતીમાં સુનેત્રા પવાર અને સુપ્રિયા સુળે ઉપરાંત માઢા ખાતે ભાજપ તરફથી રણજીતસિંહ નાઇક-નિંબાળકર અને એનસીપી(શરદ પવાર)ના ધૈર્યશીલ મોહિતે-પાટીલ ચૂંટણી લડશે. જ્યારે ઉસ્માનાબાદ બેઠક પર ભાજપના અર્ચના પાટીલ અને શિવસેના(ઉદ્ધવ ઠાકરે)ના ઓમપ્રકાશ રાજે નિંબાળકર સામસામે ટકરાશે. લાતુર બેઠક પરથી ભાજપના સુધાકર શ્રંગારે અને કૉંગ્રેસના શિવાજીરાવ કાલગેને ઉમેદવારી આપવામાં આવી છે.
હાતકળંગલે બેઠક પરથી સ્વાભિમાની શેતકરી સંઘટનાના રાજૂ શેટ્ટી, શિવસેનાના સત્યજીત પાટીલ(ઉદ્ધવ ઠાકરે) અને શિંદે જૂથના ધૈર્યશીલ માને વચ્ચે ત્રિકોણીય જંગ ખેલાશે. કોલ્હાપુરમાં કૉંગ્રેસના છત્રપતિ શાહુ મહારાજ અને શિંદેની શિવસેનાના સંજય માંડલિક આમને સામને હશે. જ્યારે સોલાપુર બેઠક પરથી કૉંગ્રેસના પ્રણિતી શિંદે અને ભાજપના રામ સાતપુતે આ બંનેનું ભાવિ મતદારો નક્કી કરશે.
જ્યારે સાંગલી બેઠક પર શિવસેના(ઉદ્ધવ ઠાકરે) ચંદ્રહાર પાટીલ અને ભાજપના સંજયકાકા પાટીલ, સાતારા બેઠક પરથી ભાજપના ઉદયનરાજે ભોંસલે અને એનસીપી(શરદ પવાર)ના શશિકાંત શિંદે, રાયગઢમાં સુનિલ તટકરે(શરદ પવાર) અને શિવસેના(શિંદે જૂથ)ના અનંત ગીતે અને રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક પરથી ભાજપના નારાયણ રાણે અને શિવસેના(ઉદ્ધવ ઠાકરે)ના વિનાયક રાઉત વચ્ચે ચૂંટણીની લડત જામશે. ત્રીજા તબક્કામાં સૌથી વધુ ઉમેદવારો બારામતી બેઠક પર છે. બારામતી બેઠક પરથી કુલ 38 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.