Maharashtra Politics: આ સાંસદ કરશે ઉદ્ધવના કેમ્પમાં ઘરવાપસી?
મુંબઈઃ લોકસભાની ચૂંટણી પહેલા નેતાઓની પક્ષબદલી થતી જ રહે છે. હાલમાં આ બદલી મોટેબાગે એક તરફી થઈ રહી છે. દરરોજ કોઈને કોઈ નેતા પોતાનો પક્ષ છોડી ભાજપમાં જોડાઈ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં કંઈક નવીન થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મહારાષ્ટ્રમાં 2019 બાદ રાજકીય ઉથલપાથલ સતત થયા કરે છે. હાલમાં અહીં બે પ્રાદેશિક પક્ષ એનસીપી અને શિવસેનાના બે જૂથ છે, જેમાંથી એક એક જૂથ સત્તામાં ભાગીદાર છે અને બીજું જૂથ વિરોધપક્ષમાં બેઠું છે. ભાજપ અને એનસીપી-શિવસેનાની સરકાર મહારાષ્ટ્રમાં છે અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે તેમ જ આ ચૂંટણીમાં પણ ભાજપની જીત થશે તેવી શક્યતાઓ વચ્ચે મોટાભાગના નેતા પોતાના પક્ષ છોડી ભાજપની વાટ પકડી રહ્યા છે ત્યારે સત્તામાં ભાગીદાર એવા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથના એક સાંસદની ઘરવાપસીના સમાચારે ફરી ખળભળાટની સંભાવના જગાવી છે.
નાશિકમાં મોટું નામ ધરાવતા બે ટર્મના સાંસદ હેમંત ગોડસે ફરી ઉદ્ધવ ઠાકરેના શિવસેના જૂથમાં જોડાવાના હોવાથી ચર્ચા ચાલી રહી છે. હેમંત ગોડસે મહારાષ્ટ્રના રાજકારણમાં સારું વર્ચસ્વ ધરાવે છે અને જો તેઓ ફરી ઠાકરે કેમ્પમાં આવે તો તેમની સાથે અન્ય નેતાઓ પણ જોડાઈ તેવી સંભાવના છે. આ ઘટના શિંદે જૂથ સહિત મહાયુતિ માટે ચિંતાજનક સાબિત થાય તેમ છે.
2022માં ઉદ્ધવ સાથે છેડો ફાડી શિંદે સાથે જોડાયેલા નેતામાં હેમંત ગોડસેનું નામ મોખરાનું કહી શકાય. ગોડસે હાલમાં ઉદ્ઘવના કાર્યકારી મિલિંદ નાર્વેકરના સતત સંપર્કમાં હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. નાશિકમાં એનસીપીના નેતા છગન ભુજબળ પણ મોટો સમર્થક વર્ગ ધરાવે છે ત્યારે ગોડસે જો ઘરવાપસી કરે તો શિવસેના માટે નાશિકમાં એક મજબૂત ઉમેદવાર મળવાની સંભાવના છે.