બહુમતિ મેળવી સરકાર બનાવીશું: સર્વે બાદ કોંગ્રેસનો દાવો…

મુંબઈ: વિધાનસભાની ચૂંટણી પૂર્વે કૉંગ્રેસ દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભાની 288માંથી 172 બેઠકો પર કરવામાં આવેલા સર્વેક્ષણ બાદ કૉંગ્રેસે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં તેમનો વિજય થશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓ ચૂંટણીમાં બહુમત મેળવીને સરકાર બનાવશે, તેવો વિશ્ર્વાસ કૉંગ્રેસ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
કૉંગ્રેસના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ નાના પટોળે, પ્રભારી રમેશ ચેન્નિથલા અને મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષ તેમ જ સાંસદ વર્ષા ગાયકવાડે મુંબઈ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે ચૂંટણીના પરિણામો અંગે વાત કરી હતી.
ઉપરાંત મહાવિકાસ આઘાડીમાં મુખ્ય પ્રધાનની ખુરશી માટે ખેંચતાણ ન હોવાનું જણાવતા નાના પટોળેએ કહ્યું હતું કે જે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનની ખુરશીની લડાઇ નથી. મહારાષ્ટ્રમાં જનતાની અધિકારની લડાઇ છે અને એ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે.
મહાવિકાસ આઘાડીમાં હૂંસાતૂંસી ન હોવાનું જણાવતા પટોળેએ જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણી યોગ્ય રીતે થશે. અમારામાં કોઇપણ નાનો ભાઇ નથી કે મોટો ભાઇ નથી. અમે 172 બેઠકોની સમીક્ષા કરી છે અને તેના પરથી અમે મહારાષ્ટ્રમાં બહુમતિથી સરકાર બનાવીશું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં જનતા પરિવર્તન ઇચ્છે છે અને એ સર્વેક્ષણમાં સ્પષ્ટ થયું છે. રાજ્યમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી અને ભાજપ ખેડૂત વિરોધી છે. ખેડૂતોને હું આહ્વાન કરું છું તે આગળ આવી અમારો સાથે આપે અને ભ્રષ્ટાચારી સરકારને સત્તાબહાર કરવામાં અમારી મદદ કરે.