ગણેશોત્સવમાં ઠાકરે ભાઈઓનું મિલન અને શિંદે-નાર્વેકરની અણધારી મુલાકાતથી રાજકારણમાં હલચલ

મુંબઈ: ગણેશોત્સવ દરમિયાન રાજ્યમાં રાજકીય સમીકરણો નવો વળાંક લઈ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારે ગણેશોત્સવના પહેલા દિવસે ભાઈ રાજ ઠાકરેના ઘરે મુલાકાત લીધી. ઘણા વર્ષો પછી, આ બંને પરિવારો એક જ ફ્રેમમાં જોવા મળ્યા. આ મુલાકાતે રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ રાજ ઠાકરેના ઘરે ગણપતિના દર્શન કરવા ગયા હતા. બીજી તરફ દિલ્હીથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં હાજરી આપીને ભાજપના નેતા સુનીલ દેવધરના ઘરે ગણપતિના દર્શન કરીને આવેલા શિંદેની શિવસેનાના સાંસદ ડો. શ્રીકાંત શિંદેએ ઠાકરેના વિશ્વાસુ અને પરિવારના જ એક ભાગ એવા વિધાન પરિષદના ધારાસભ્ય મિલિંદ નાર્વેકરના ઘરે ગણપતિના દર્શન કર્યા હતા.
આ પણ વાંચો: ઠાકરે ભાઈઓ ભેગા થતાં જ મુંબઈમાં ઓપરેશન ટાઈગર ઠંડું પડ્યું?
આ મુલાકાતે માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ રાજ્યના રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જગાવી છે. શિવસેના (યુબીટી) જૂથમાં નાર્વેકરને એક મહત્વપૂર્ણ રણનીતિકાર માનવામાં આવે છે. જ્યારે ડૉ. શ્રીકાંત શિંદે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર અને શિંદે જૂથના અગ્રણી નેતા છે. તેઓ શિવસેનાના સંસદીય જૂથના નેતા છે. તેથી, આ અણધારી મુલાકાત પાછળના કારણો અંગે અનેક તર્કવિતર્કો ઊભા થયા છે.
આ બેઠક દરમિયાન શું ચર્ચા થઈ તે એક રહસ્ય છે. જોકે, ઠાકરેના નિર્ણયોમાં નાર્વેકરનો મોટો ફાળો છે. તેથી, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કંઈક ચર્ચા થઈ હશે. ડૉ. શ્રીકાંત શિંદેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ગણપતિ દર્શન યાત્રા વિશે માહિતી આપી છે. જોકે ઉદ્ધવ ઠાકરે જૂથના કેટલાક નેતાઓએ આ બેઠક પર ટિપ્પણી કરવાનું ટાળ્યું છે, પરંતુ રાજકીય વિશ્લેષકોના મતે, આગામી ચૂંટણીઓની પૂર્વસંધ્યાએ થઈ રહેલી આ બેઠકનો ચોક્કસ કોઈ અર્થ હોઈ શકે છે.