આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રની રાજનીતિના મેન્ટર બનશે શિંદે! કન્વીનર પદ પર છે નજર!

મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારની રચના અને સીએમ પદને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. એમ માનવામાં આવતું હતું કે શુક્રવારે મુંબઈમાં મહાયુતિના નેતાઓની બેઠક થશે અને સીએમના નામને મંજૂરી આપવામાં આવશે. તેની સાથે જ કેબિનેટ વિભાજન અને શપથ ગ્રહણ અંગે પણ નિર્ણયની અપેક્ષા હતી, પણ એવામાં કાર્યવાહક મુખ્ય પ્રધાન શિંદે અચાનક ગામ જવા રવાના થઈ ગયા અને બધી વાત અટકી પડી.

હવે એવા સમાચાર છે કે 1 ડિસેમ્બરે મહાયુતિના નેતાઓ મુંબઈમાં એકસાથે મળશે. તે બેઠકમાં શિંદે પણ હાજર રહેશે. શિંદે હાલમાં સતારામાં છે. તેમણે તેમની તબિયત સારી ન હોવાનું કારણ આપ્યું હતું. હવે એવા સમાચાર છે કે તેઓ રવિવારે પોતાના ગામથી મુંબઈ પરત ફરશે અને તેમની હાજરીમાં મહાયુતિની બેઠક યોજાશે.


Also read: મુશ્કેલી અથવા મૂંઝવણની સ્થિતિમાં એકનાથ શિંદે ગામ જાય છે! આ વખતે શું હશે?


મહાયુતિની બેઠક પહેલા 1લી ડિસેમ્બર એટલે કે રવિવારે બીજેપી વિધાન સભ્ય દળની બેઠકના પણ સમાચાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપની બેઠકમાં વિધાયક દળના નેતાની પસંદગી કરવામાં આવશે, ત્યારપછી દિલ્હીમાં મહાયુતિની બેઠકનો પણ પ્રસ્તાવ છે.

શું શિંદેની નજર મહાયુતિના સંયોજક પર છે?:
એકનાથ શિંદે ગૃહ વિભાગ જેવા મહત્વના વિભાગ માટે દબાણ કરી રહ્યા છે તેવી અટકળો વચ્ચે શિંદે જૂથના વિધાન સભ્ય ભરત ગોગાવલેએ દાવો કર્યો છે કે તેમને દેવેન્દ્ર ફડણવીસની જેમ નાયબ મુખ્ય પ્રધાન પદની સાથે ગૃહ વિભાગ પણ મળવાની અપેક્ષા છે. જ્યારે ફડણવીસ નાયબ મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમની પાસે ગૃહ મંત્રાલય પણ હતું. એકનાથ શિંદેએ ફડણવીસ અને અજિત પવાર સાથે મહાયુતિની બેઠક અચાનક રદ કર્યા બાદ આ નિવેદન આવ્યું છે.

ઉપરાંત, અન્ય વિધાન સભ્ય અને શિંદેના નજીકના સહયોગી સંજય શિરસાટે એવો સંકેત આપ્યો હતો કે એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાન પદ સ્વીકારશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, એકનાથ શિંદે મહાયુતિ 2.0 સરકારમાં બીજા સ્થાનને સ્વીકારવાને બદલે મહાયુતિના સંયોજક બનવા ઇચ્છુક છે.


શિંદેની નારાજગીની અટકળો વચ્ચે શિવસેનાના નેતા ઉદય સામંતે કહ્યું હતું કે, ‘શિંદેને કોઈ નારાજગી નથી. તેમની તબિયત ખરાબ હોવાને કારણે તેઓ તેમના ઘરે ગયા છે. અમે 60 વિધાન સભ્યોએ મળીને શિંદેજીને આ સંદેશ આપ્યો છે કે અમે ઈચ્છીએ છીએ કે તેઓ ડેપ્યુટી સીએમ બને. આ નિર્ણય એકનાથ શિંદેજી પોતે જ લેશે. તેઓ જ લાડકી બહેન યોજના લાવ્યા હતા, આથી તેમના માટે સરકારમાં રહેવું જરૂરી છે.


Also read: ‘તેઓએ તારીખની જાહેરાત કરી નહોતી…’ મહાયુતિની બેઠક રદ થયા બાદ રાહુલ શેવાળેનું નિવેદન


અમિત શાહે દિલ્હીમાં બેઠક યોજી હતી:
ગુરુવારે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં અમિત શાહે શિંદે, ફડણવીસ અને પવાર સાથે અલગ-અલગ ચર્ચા કરી હતી કે કેબિનેટમાં કેટલા પદો સામેલ કરવામાં આવશે. ભાજપ વધુમાં વધુ 20 લોકોને સામેલ કરવા માંગે છે, જ્યારે શિંદેને એનસીપી કરતા વધુ પદ મળવા જોઈએ. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે દિલ્હીમાં યોજાયેલી બેઠક દરમિયાન વિભાગોની ફાળવણી અંગે કોઈ ચર્ચા થઈ નહોતી. હવે બધું નક્કી થયા બાદ શપથ ગ્રહણ સમારોહ આવતા અઠવાડિયે યોજાય તેવી શક્યતા છે. સૂત્રોનું કહેવું છે કે શપથ ગ્રહણ સમારોહ 2 અથવા 5 નવેમ્બરે યોજાઈ શકે છે કારણ કે વડાપ્રધાન મોદી 3 અને 4 ડિસેમ્બર ઉપલબ્ધ નથી. શપથગ્રહણના એક દિવસ પહેલા ભાજપ વિધાયક દળની બેઠક થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button