ગણેશજીની વિદાય બાદ ખડસેની ભાજપ પધરામણીની વિચારણા

મુંબઈ: મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા મનાતા એકનાથ ખડસે ફરી પાછા ભાજપમાં પ્રવેશ કરે એ વિશે તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે ત્યારે તેમને ભાજપમાં પાછા લેવા વિશે મહત્ત્વનો નિર્ણય ગણેશોત્સવ બાદ લેવામાં આવશે, એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
ભાજપનું કેન્દ્રીય નેતૃતવ ગણેશોત્સવ પૂરો થાય ત્યાર બાદ એકનાથ ખડસેના ભાજપ પ્રવેશ વિશે નિર્ણય લેશે, તેમ ફડણવીસે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે એકનાથ ખડસે ભાજપના મોટા નેતા હતા અને હાલ તે શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)માં છે. એકનાથ ખડસે પણ ભાજપમાં પ્રવેશવા માટે ઇચ્છુક હોવાનું તે જણાવી ચૂક્યા છે.
નાગપુર એરપોર્ટ ખાતે આ વિશે વાતચીત કરતા ફડણવીસે જણાવ્યું હતું કે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ જે પણ લેવાશે તે મંજૂર રહેશે. અમે પક્ષના નેતૃત્વ સાથે ચર્ચા કરીને ગણેશોત્સવ બાદ આ વિશે નિર્ણય લઇશું.
નોંધનીય છે કે એકનાથ ખડસેના પુત્રી રક્ષા ખડસેને ભાજપ તરફથી લોકસભાની ચૂંટણી દરમિયાન ટિકીટ આપવામાં આવી હતી અને તે ચૂંટણી જીત્યા ત્યાર પછી તેમને કેન્દ્રીય પ્રધાન પણ બનાવવામાં આવ્યા હતા.
એકનાથ ખડસે પોતે ભાજપમાં ફરી પાછા આવવાની ઇચ્છા જાહેરમાં વ્યક્ત કરી ચૂક્યા હોવા છતાં અત્યાર સુધી ભાજપ તરફથી આ વિશે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ખડસેએ આ વિશે હાલમાં જ વાત કરતા જણાવ્યુ હતું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ તેમને ભાજપમાં પાછા આવવા માટે વિનંતી કરી હતી અને જ્યારે તે તેમને મળ્યા ત્યારે શાલથી તેમનું સન્માન પણ કર્યું હતું અને કહ્યું હતું કે હવે એકનાથ ખડસે ભાજપના સભ્ય બની ચૂક્યા છે.