આમચી મુંબઈમહારાષ્ટ્રમહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

‘તું બચી ગયો, મેં રેલી કરી હોત તો હારી જાત… ‘, જાણો કોણે કોને કહ્યું

મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને હવે ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારો વચ્ચે જોવા કડવાશ પણ દૂર થવા લાગી છે. સોમવારે, મહારાષ્ટ્રના પ્રથમ સીએમ વસંતરાવ ચવ્હાણને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપવા ગયેલા અજિત પવાર તેમના ભત્રીજા રોહિત પવારને પણ મળ્યા હતા. રોહિત પવાર શરદ પવારના પક્ષના વિધાન સભ્ય છે.

આ દરમિયાન અજિત પવારે રોહિત પવારની પીઠ થપથપાવીને કહ્યું હતું કે તું બચી ગયો. આના પર રોહિત પવારે હાથ જોડી દીધા ત્યારે અજિત પવારે તેમના પગ તરફ ઈશારો કર્યો. ત્યારબાદ રોહિત પવારે અજિત પવારના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.

અજિત પવારે રોહિતને કહ્યું હતું કે, તું બહુ ઓછા માર્જિનથી જીત્યો છે. સારું થયું કે મારી રેલી ત્યાં (તારા મતવિસ્તારમાં) ના થઈ. જો આમ થયું હોત તો કંઈ પણ થઈ શક્યું હોત. આ પછી બંને એકબીજા સામે જોઇને હસ્યા અને એકબીજાને ગળે લગાડીને આગળ વધ્યા હતા. રોહિત પવાર કરજત જામખેડ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ શરદ પવાર જૂથના 10 જીતેલા વિધાન સભ્યોમાં સામેલ છે. જ્યારે રોહિત પવારને કાકા અજિત પવારની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ મારા માટે પિતા સમાન છે. તેઓ મારા કાકા છે અને તેમના ચરણસ્પર્શ કરવાની મારી ફરજ છે. અજિત પવારે 2019ની ચૂંટણીમાં મારી મદદ કરી હતી. આ વખતે તેઓ બારામતી ચૂંટણીમાં વ્યસ્ત હતા, તેથી રેલીમાં આવ્યા ન હતા. મેં બારામતીથી જીત પર તેમને અભિનંદન પાઠવ્યા છે. જ્યારે તેમને અજિત પવારની સ્નેહભરી મજાક વિશે પૂછવામાં આવ્યું, ત્યારે રોહિત પવારે કહ્યું હતું કે તે સાચું છે કે જો તેમના કાકાએ રેલીનું સંચાલન કર્યું હોત, તો પરિસ્થિતિ અલગ હોત.

મહારાષ્ટ્ર ચૂંટણીનું પરિણામ મહાવિકાસ અઘાડી માટે મોટા ફટકા સમાન છે. મહાયુતિને 235 બેઠકોની છપ્પરફાડ બહુમતી મળી છે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં છેલ્લા ઘણા દાયકાઓમાં આ પહેલીવાર બન્યું છે કે કોઈ પક્ષ અથવા ગઠબંધનને આટલું મોટું સમર્થન મળ્યું હોય. મહા વિકાસ આઘાડી ભારે નિરાશ છે. શરદ પવાર જૂથ માત્ર 10 બેઠકો જીતી શક્યું છે, જ્યારે કોંગ્રેસને માત્ર 16 બેઠકો મળી છે. ઉદ્ધવ સેનાને પણ માત્ર 20 વિધાન સભ્યોથી સંતોષ માનવો પડ્યો છે. હવે ત્રણેય પક્ષોનું કહેવું છે કે તેઓ વિચારમંથન કરશે અને આ માટે તેમણે બેઠક બોલાવી છે.

અજિત પવાર અને રોહિત પવાર વચ્ચેના સંબંધોને લઈને પણ ઘણી વાર સવાલો ઉભા થયા છે. કહેવાય છે કે અજિત પવારને કાબૂમાં રાખવા માટે શરદ પવારે રોહિત અને અજિતના ભત્રીજા યુગેન્દ્ર પવારને પ્રમોટ કર્યા છે. આ વખતે યુગેન્દ્ર પવારે પણ અજિત પવાર સામે બારામતી સીટ પરથી ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ ભારે માર્જિનથી હારી ગયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button