મહારાષ્ટ્રમાં દિવાળી બાદ કોણ દિવાળી મનાવશે…વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં યોજાય તેવી સંભાવના

મુંબઇઃ મહારાષ્ટ્રમાં 2024ના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હવે એવા સંકેતો મળ્યા છે કે દિવાળી બાદ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી 2024 યોજાઇ શકે છે. દિવાળી નવેમ્બરના પહેલા સપ્તાહમાં છે. તેથી દિવાળી બાદ વિધાન સભા ચૂંટણી માટે મતદાન અને મતગણતરી થશે.
સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ઑક્ટોબર મહિનામાં યોજાય છે, પણ દિવાળીને કારણે આ વખતે ચૂંટણી થોડી મોડી થશે. આ વર્ષે વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબરને બદલે નવેમ્બરના બીજા સપ્તાહમાં યોજાઇ શકે છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં દિવાળી બાદ મતદાન થશે અને 14-15 નવેમ્બરની આસપાસ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીની વિગતો 12 ઓક્ટોબરની આસપાસ જાહેર કરવામાં આવશે.ત્યાર બાદ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થશે. તે પછી 45 દિવસની અંદર નવી વિધાનસભાની રચના થશે.
જોકે, હજી સુધી ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાન સભાની ચૂંટણી અંગે કંઇ સ્પષ્ટતા કરી નથી. અગર જો તે ઑક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજે તો રાજકીય પક્ષોએ પ્રચારમાં તેજી લાવવી પડશે.
હાલમાં રાજ્યમાં ચોમાસુ ચાલી રહ્યું છે અને ભારે વર્ષા થઇ રહી છે. ઉપરાંત શ્રાવણ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, આણંદ ચૌદશ, જૈનોના પર્યુષણ, નવરાત્રી, દશેરા, પિતૃપક્ષ અને દિવાળી જેવા એક પછી એક તહેવારોના દિવસો આવી રહ્યા છે. આવા સમયે ચૂંટણી યોજાય તો લોકો બહુ ઉમળકાથી મતદાનમાં ભાગ નહીં લે અને મતદાન ઝાઝું નહી થાય. તેથી રાજકીય પક્ષો આ સમયગાળા દરમિયાન વિધાનસભાની ચૂંટણી ના યોજાય તેમ ઇચ્છે છે, પણ હવે ચૂંટણી પંચ શું જાહેરાત કરે છે, તેના પર બધાની નજર છે.