શરૂઆત તમે કરી, હવે અમે અંત કરીશું”, MNS નેતાની ચેતવણી

મુંબઈ : ઠાકરે જૂથના કાર્યકરોએ બીડમાં MNS પ્રમુખ રાજ ઠાકરેની કારને રોકી અને તેમના પર સોપારી ફેંક્યા બાદ હવે બંને ઠાકરે વચ્ચેનો વિવાદ ફાટી નીકળ્યો છે. હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ શનિવારે સાંજે થાણેમાં ઉદ્ધવ ઠાકરેના કાફલા પર નારિયેળ અને છાણ ફેંકી બદલો લીધો હતો, જેમાં ઉદ્ધવ ઠાકરેના કાફલાની ઘણી ગાડીઓના કાચ તૂટી ગયા હતા.
MNS નેતા સંદીપ દેશપાંડેએ ઉદ્ધવ ઠાકરેના કાફલા પર નારિયેળ ફેંકવાના અને કારની બારીઓ તોડવાના કૃત્યનું સમર્થન કરતા જણાવ્યું હતું કે, કોઈ પણ વસ્તુની શરૂઆત કરતી વખતે, તેના પરિણામો શું હોઈ શકે તે વિશે વિચારવું જોઈએ.
સંદીપ દેશપાંડેએ ઠાકરે જૂથને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો તમે શિવસૈનિક છો તો અમે મન સૈનિક છીએ. જો તમારી પાસે બાળાસાહેબના વિચારો છે તો અમારી પાસે પણ બાળાસાહેબના વિચારો છે. તમે અમારી પર હુમલો કરશઓ તો અમે પણ તમારી પર હુમલો કરીશું જ. આપણે બધા કાચના ઘરમાં રહીએ છીએ અને રાજ્યભરમાં પ્રવાસે પણ જઇએ છીએ. મહારાષ્ટ્રના બીડમાં શું થયું અને ત્યાર બાદ થાણે ખાતે શું થયું એ રાજ્યના દરેક લોકોએ જોયું છે. બધા જ આવું કરશે તો મહારાષ્ટ્રનું શું થશે એનો વિચાર કરો.
ગઇકાલે જે બન્યું એ કોઇક ક્રિયાની પ્રતિક્રિયા હતી. મરાઠા આંદોલનકારીઓની આડમાં રાજસાહેબ પર હુમલો કરવામાં આવ્યો. જો ત્યાંથી ફરીથી કોઈ કાર્યવાહી થશે, તો અમે પ્રતિક્રિયા આપીશું. આ સમયે સંદીપ દેશપાંડેએ એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે શિવસૈનિકોએ કિરીટ સોમૈયા અને નવનીત રાણાની કાર પર હુમલો કર્યો ત્યારે તેમની સંસ્કૃતિ ક્યાં ગઈ?
દરમિયાન ગઇ કાલના બનાવ બાદ કોલ્હાપુરમાં MNS અને શિવસેના ઠાકરે જૂથ વચ્ચે સંઘર્ષના સંકેતો મળી રહ્યા છે. અહીં ગુસ્સે ભરાયેલા શિવસૈનિકોએ શહેરમાં MNS શાખાના બોર્ડમાં તોડફોડ કરી હતી, જેના કારણે સમગ્ર શહેરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
થાણેમાં MNSના કાર્યકરોએ ઉદ્ધવ ઠાકરેના કાફલા પર કરેલા હુમલામાં ઘણી કારોને નુકસાન થયું હતું. ઉદ્ધવ ઠાકરેની કાર પર પણ છાણ ફેંકવામાં આવ્યું હતું. જો કે, ઉદ્ધવ ઠાકરેએ ગડકરી રંગાયતન ખાતેના તેમના ભાષણમાં MNSના કાર્યકરોની કાર્યવાહી વિશે કે રાજ ઠાકરે વિશે કોઈ ટિપ્પણી કરી ન હતી. તેમણે આજે માતોશ્રી ખાતે પક્ષના વિધાનસભ્યો અને સાંસદોની મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠક બાદ ઉદ્ધવ ઠાકરે શું નિવેદન આપે છે તેના પર સહુની નજર રહેશે.