આમચી મુંબઈમહારાષ્ટ્ર

સિદ્દીકી હત્યાના આરોપીઓએ કેવી રીતે વાય કેટેગરીની સુરક્ષા તોડી, નજીક જઈને ગોળી મારી

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકની હત્યાના કેસથી સર્વત્ર સનસનાટી મચી ગઈ છે. લગભગ દરેકના મોઢે એક જ વાત ચર્ચાય છે કે વાય કેટેગરીની સુરક્ષા હોવા છતાં આરોપીએ એનસીપી નેતાને આટલી નજીકથી કેવી રીતે ગોળી મારી દીધી? એવા ઘણા સવાલ છે જેના જવાબની બધા રાહ જોઈ રહ્યા છે.

હકીકતમાં, મુંબઈના બાંદ્રા ઈસ્ટ વિસ્તારમાં શનિવારે રાત્રે બાબા સિદ્દીકીના પુત્ર અને વિધાનસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ત્રણ લોકોએ ફિલ્મી સ્ટાઈલમાં સતત 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ પછી આરોપીઓએ કથિત રીતે ફટાકડાના અવાજ વચ્ચે 66 વર્ષીય બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી નાખી. આ પછી બાબા સિદ્દીકીને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ એમને મૃત જાહેર કર્યા હતા.

આ કેસમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે નિર્મલ નગરમાં કોલગેટ ગ્રાઉન્ડ પાસે ઝીશાન સિદ્દીકીની ઓફિસની બહાર બનેલી ઘટના બાદ તરત જ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ત્રીજો આરોપી ફરાર થઈ ગયો હતો.
હવે આપણે આ ઘટનાની કેટલીક વાત જાણીએ કે આ હત્યા પાછળ કોનો હાથ હતો અને તેમને જાનથી મારવાનો હેતુ શું હતો. શું આ ઘટનામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામેલ છે? આરોપી બાબાની આટલી નજીક કેવી રીતે આવ્યો? તેણે આટલી કડક સુરક્ષા કેવી રીતે તોડી નાખી.

આ મામલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકરે તેમને જાણ કરી છે કે બે કથિત શૂટરોની અટકાયત કરવામાં આવી છે. મુખ્ય પ્રધાને મીડિયાને જણાવ્યું હતું કે તેમાંથી એક ઉત્તર પ્રદેશનો અને બીજો હરિયાણાનો હતો, જ્યારે ત્રીજો આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો.

‘વાય’ કેટેગરીની સુરક્ષા મેળવનાર શાસક પક્ષના એક નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. તેમને 15 દિવસ પહેલા જ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. બાબા સિદ્દીકીએ વિધાનસભામાં બાંદ્રા (વેસ્ટ) બેઠકનું ત્રણ વખત પ્રતિનિધિત્વ કર્યું હતું.

હવે સવાલ એ આવે છે કે આરોપી બાબા સુધી કેવી રીતે પહોંચ્યો?
બાબા સિદ્દીકીને વાય કેટેગરીની સુરક્ષા મળી હતી. પોલીસે ખુલાસો કર્યો છે કે ધરપકડ કરાયેલા આરોપીઓએ પોતાને કુખ્યાત બિશ્નોઈ ગેંગના સભ્યો હોવાનું જાહેર કર્યું છે. પોલીસનું કહેવુ છે કે આ હત્યાનું પ્લાનિંગ 25-30 દિવસથી કરવામાં આવી રહ્યું હતું. આરોપીઓ બાબા સિદ્દીકી પર નજર રાખી રહ્યા હતા. ઘટના પહેલા તેની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. આરોપીઓ દરેક ક્ષણે બાબાપર નજર રાખતા હતા. તેઓ ક્યારે અને ક્યાં જાય છે, તેઓ કોને મળે છે અને તેમની સાથે કોણ રહે છે. તેઓ કયા કાર્યક્રમમાં જોડાવા જઈ રહ્યા છે? આ બધી માહિતી તેઓ ભેગી કરતા હતા. ત્યાર બાદ હત્યારાઓએ એક પ્લાન બનાવ્યો હતો.

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે દાવો કર્યો છે કે આ ઘટનાને અંજામ આપવા માટે ત્રણેય આરોપી રિક્ષામાં બાંદ્રા ઈસ્ટ શૂટિંગ સ્થળ પર પહોંચ્યા હતા. પોતાનો ચહેરો અને ઓળખ છુપાવવા માટે તેમણે રૂમાલથી ચહેરો ઢાંકી દીધો હતો. દશેરા નિમિત્તે સિદ્દીકીની ઓફિસની નીચે ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. આરોપી થોડીવાર ત્યાં રાહ જોતો રહ્યો. પોલીસનું કહેવું છે કે આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ પણ સામેલ હોઈ શકે છે જે દરેક ક્ષણે બાબા સિદ્દીકી વિશે માહિતી આપતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર બાબા સિદ્દીકી રાતે 9.15 થી 9.20ની વચ્ચે ઓફિસથી નીકળ્યા હતા. તેઓ ઓફિસની બહાર ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે આરોપીઓ અચાનક કારમાંથી નીચે ઉતર્યા હતા. તેમણે મોઢા પર રૂમાલ બાંધ્યો હતો. જેથી કોઈ તેમને ઓળખી ન શકે. આ પછી તેમણે બાબા સિદ્દીકી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસનું એમ પણ કહેવું છે કે આરોપીઓએ ફાયરિંગમાં 9.9 એમએમ પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. છાતીમાં ગોળી વાગતાં બાબા સિદ્દીકી પડી ગયા હતા. ડૉક્ટરોનું કહેવું છે કે બાબા સિદ્દીકીનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થઈ ગયું હતું.

Read This…..BJP નેતા નવનીત રાણાને મળી ગેંગરેપની ધમકી, પત્રમાં લખ્યું પાકિસ્તાન ઝિંદાબાદ

હવે આપણે એ વાત જાણીએ કે બાબા સિદ્દીકીની હત્યાનું કારણ શું હોઈ શકે? આ કેસમાં સલમાનને ધમકી આપનાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવી રહ્યું છે. સલમાન ખાન બાબા સિદ્દીકીની નજીક માનવામાં આવે છે. બીજી તરફ એમ પણ માનવામાં આવી રહ્યું છે કે બાબા સિદ્દીકીની હત્યા પાછળ સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA)નો મામલો પણ હોઈ શકે છે. બાબા અને તેમના વિધાન સભ્ય પુત્ર જીશાન આનો વિરોધ કરી રહ્યા હતા. બાબાને તેમના પુત્રની ઓફિસ સામે ગોળી મારી દેવામાં આવી હતી. હાલમાં આ કેસમાં પોલીસ તપાસમાં લાગેલી છે. તેમની તપાસમાં શું બહાર આવે છે એ જોઇએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button